2024માં કેનેડામાંથી બે હજાર જેટલા ભારતીય નાગરિકોની હકાલપટ્ટી કરવામાં આવી હોવાનું જાહેર થયું છે, આ આંકડો એક રેકોર્ડ છે.
કેનેડા બોર્ડર સર્વિસીઝ એજન્સી (CBSA) દ્વારા મીડિયાને જણાવ્યા મુજબ નાગરિકત્વના આધારે હકાલપટ્ટી કરાયેલા આંકડા મુજબ, ગત વર્ષમાં દેશ છોડવા માટે મજબૂર કરાયેલા ભારતીયોની સંખ્યા 1932 હતી, જે એક ઉચ્ચ રેકોર્ડ છે. હકીકતમાં, આ સંખ્યા 2023ના આંકડા કરતા 50 ટકાથી પણ વધુ હતી, જે ત્યારે 1129 હતી. 2024માં તગેડી કઢાયેલા કુલ લોકોમાં ભારતીયોની સંખ્યા 11.5 ટકા હતી, જે 2023માં 7.5 ટકા હતી. આ સંખ્યા પાંચ વર્ષ અગાઉ, 2019માં નોંધાયેલા રેકોર્ડ કરતા ત્રણ ગણી વધુ હતી, તે વર્ષે આ સંખ્યા 625 અથવા કુલ સંખ્યામાં 5.6 ટકા ભારતીય નાગરિકો હતા. CBSA દ્વારા હકાલપટ્ટી કરાયેલા કુલ લોકોની સંખ્યા 2023માં 15,124 થી વધીને ગત વર્ષે 16,781 થઈ હતી. હકાલપટ્ટી કરાયેલા સૌથી વધુ લોકો મેક્સિકોના હતા, 2023માં 3,286 અને 2024માં 3,579 મેક્સિકનોની હકાલપટ્ટી કરવામાં આવી હતી.
આ અંગે CBSAના પ્રવક્તા જેક્વેલિન રોબીએ જણાવ્યું હતું કે, “દેશમાં ગેરકાયદે ઘૂસી આવેલા વિદેશી નાગરિકોની સમયસર હકાલપટ્ટી કરવાની કાર્યવાહી કેનેડાની ઇમિગ્રેશન સીસ્ટમની અખંડિતતાને મદદ કરવામાં મહત્વપૂર્ણ ભૂમિકા ભજવે છે.”

LEAVE A REPLY