ભારતની ગેમિંગ અને એસ્પોર્ટ્સ કંપની નઝારા ટેક્નોલોજિસે ગુરુવારે યુકેની આઇપી-આધારિત ગેમિંગ સ્ટુડિયો ફ્યુઝબોક્સ ગેમ્સને રૂ.228 કરોડના ઓલ-કેશ ડીલમાં હસ્તગત કરવાની જાહેરાત કરી હતી. ફ્યુઝબોક્સ યુકેમાં 30 કર્મચારીઓ ધરાવે છે.
નઝારાએ એક નિવેદનમાં જણાવ્યું હતું કે ભારતની એકમાત્ર લિસ્ટેડ ડાઇવર્સિફાઇડ ગેમિંગ અને સ્પોર્ટ્સ મીડિયા કંપની નઝારા ટેક્નોલોજીસે ફ્યુઝબોક્સ ગેમ્સ ખરીદવાનો સોદો કર્યો છે.
ફ્યુઝબોક્સ ઇન્ટરેક્ટિવ સ્ટોરી ગેમ ‘લવ આઇલેન્ડ’ પ્રકાશિત કરે છે અને લોકપ્રિય વૈશ્વિક ટીવી આઇપી પર આધારિત નવી રમતો વિકસાવી રહ્યું છે. કેલેન્ડર વર્ષ 2023માં કંપનીએ રૂ.11.7 કરોડની EBITDA (અર્નિંગ્સ બિફોર ઇન્ટરેસ્ટ ટેક્સ ડેપ્રિસિયેશન એન્ડ એમોર્ટાઇઝેશન) સાથે રૂ. 87.5 કરોડની આવક નોંધાવી હતી.
કેલેન્ડર વર્ષ 2024 દરમિયાન, ફ્યુઝબોક્સે રૂ.33.3 કરોડના EBITDA સાથે રૂ.116.6 કરોડની વાર્ષિક આવક (જાન્યુઆરી – જુલાઈ) સાથે મજબૂત વૃદ્ધિ દર્શાવી હતી.
નઝારાના સ્થાપક અને સીઇઓ નીતીશ મિટરસેને જણાવ્યું હતું કે IP આધારિત વૈશ્વિક ગેમિંગ બિઝનેસનું નિર્માણ કરવાની મોટી તક છે. અમારા હાલના ઘણા IPs આ વ્યૂહરચનાનું સારું ઉદાહરણ છે અને અમે ફ્યુઝબોક્સની પ્રતિભાશાળી ટીમ સાથે જોડાઈને ખુશ છીએ કારણ કે અમે નઝારાને નોંધપાત્ર હાજરી સાથે વૈશ્વિક ગેમિંગ કંપની બનાવવા માગીએ છીએ.