ફોજદારી સુનાવણી દરમિયાન એક મહત્વાકાંક્ષી બેરિસ્ટરને પોતાના હોટલના રૂમમાં રાત વિતાવવા માટે આમંત્રિત કરી જાતીય પ્રવૃત્તિ કરવા બદલ નવજોત “જો” સિદ્ધુ KCને વ્યાવસાયિક ગેરવર્તણૂક માટે દોષીત ઠેરવવામાં આવ્યા છે.
નવજોત સિદ્ધુએ મૂળ 28 આરોપોનો સામનો કર્યો હતો, પરંતુ તેના વકીલો અગાઉની સુનાવણીમાં 18 આરોપોને બરતરફ કરવા માટે સફળ રહ્યા હતા.
લંડનમાં એક ટ્રિબ્યુનલ દ્વારા તેમને એક કેસમાં ત્રણ આરોપો માટે દોષી ઠેરવવામાં આવ્યા હતા. તે જ મહિલા વિશેના અન્ય સાત આરોપો અને એક અન્ય યુવાન મહિલાના આરોપોને બરતરફ કરવામાં આવ્યા હતા. બંનેમાંથી એકેય મહિલાનું નામ બહાર લવાયું નથી.
ટ્રિબ્યુનલે સર્વસંમતિથી ચુકાદો આપ્યો હતો કે સિદ્ધુએ પેરાલીગલ મહિલાને તેના હોટલના રૂમમાં આવવા માટે પૂછવું જોઇતું ન હતું. જ્યારે ટ્રિબ્યુનલ અધ્યક્ષે કહ્યું હતું કે “અપાયેલું આમંત્રણ સંપૂર્ણપણે જાતીય પ્રકૃતિનું હતું અને તમામ સંજોગોમાં સંપૂર્ણપણે અયોગ્ય હતું”.
આ અગાઉ લંડનના ગ્રેસ ઇનમાં બારની ડીસીપ્લીનરી ટ્રિબ્યુનલની સુનાવણીમાં પુરાવા આપતા એક જુનિયર પેરાલીગલ મહિલાએ કહ્યું હતું કે ‘’વર્ક એક્સપીરીયન્સના ભાગ તરીકે નવજોત સિદ્ધુને શેડો કરી રહી હતી ત્યારે સિદ્ધુએ તેને કેસ પર કામ કરવા માટે હોટલના રૂમમાં બોલાવી રાત રોકાવા માટે કહ્યું હતું અને ચુંબન કરી જાતીય પ્રવૃત્તિમાં વ્યસ્ત થઈ ગયો હતો. હું તેના માટે ઉત્સાહી નહતી.”
સિદ્ધુએ મહિલાઓ સાથે સંબંધો હોવાનો ઇનકાર કર્યો ન હતો અને કહ્યું હતું કે તે તમામ સહમતિથી થયું હતું. સિદ્ધુના વકીલોએ દલીલ કરી હતી કે ટ્રિબ્યુનલ કેસની સુનાવણી બંધ દરવાજા પાછળ થવી જોઈએ, પરંતુ પેનલે તેને બહુમતીથી ફગાવી દીધો હતો.
58 વર્ષના સિદ્ધુ બે વખત દેશના ટોચના પ્રોસિક્યુટર બનવા માટે શોર્ટલિસ્ટ થયા હતા. સિદ્ધુએ બે વર્ષ પહેલા ક્રિમિનલ બાર એસોસિએશનની હડતાળમાં આગેવાની કરી કન્ઝર્વેટિવ મિનિસ્ટર્સને કાનૂની સહાયના પગારમાં 15 ટકાનો વધારો કરવાની ફરજ પાડી હતી. સિદ્ધુ એક સમયે ઈંગ્લેન્ડ અને વેલ્સના ટોચના પ્રોસીક્યુટર અને પબ્લિક પ્રોસીક્યુટરના ડિરેક્ટરની ભૂમિકા માટે દાવેદાર હતા. તેઓ સોસાયટી ઓફ એશિયન લોયર્સ અને બાર કાઉન્સિલના અધ્યક્ષ તરીકે ઊભા રહ્યા હતા.
બે પુખ્ત પુત્રીઓ ધરાવતા સિદ્ધુ પરિણીત છે અને વેસ્ટ લંડનમાં રહે છે.