ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને અમેરિકાના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ વચ્ચે ગત સપ્તાહે યોજાયેલી દ્વિપક્ષીય બેઠકમાં રશિયા યુક્રેન યુદ્ધ થી લઇ મુંબઇ હુમલાના માસ્ટર માઇન્ડ તહવ્વુર રાણાના પ્રત્યાર્પણ અને દ્વિપક્ષીય વેપાર સહિત ઘણા મુદ્દાઓ પર ચર્ચા થઇ હતી.
વ્હાઇટ હાઉસ ખાતે દ્વિપક્ષીય વાટાઘાટો પછી વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને અમેરિકાના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે સંયુક્ત પત્રકાર પરિષદ યોજી હતી, જ્યાં તેમણે બંને દેશો વચ્ચે થયેલા મહત્વપૂર્ણ કરારો વિશે માહિતી આપી હતી અને પત્રકારોના ઘણા પ્રશ્નોના જવાબ આપ્યા હતા. વડાપ્રધાન મોદીએ કહ્યું કે 2030 સુધીમાં આપણે ભારત-અમેરિકા વેપાર બમણો કરીશું.
સંયુક્ત પત્રકાર પરિષદમાં મોદીએ કહ્યું, સૌ પ્રથમ, હું મારા પ્રિય મિત્ર પ્રમુખ ટ્રમ્પનો તેમના અદ્ભુત સ્વાગત અને આતિથ્ય માટે હૃદયપૂર્વક આભાર વ્યક્ત કરું છું. પ્રમુખ ટ્રમ્પે તેમના નેતૃત્વ દ્વારા ભારત-અમેરિકા સંબંધોને ઉછેર્યા અને જીવંત કર્યા છે. અમે ત્રાસવાદ સામે લડવામાં સહયોગ કરીશું. સરહદ પારના ત્રાસવાદ સામે કડક કાર્યવાહીની જરૂર છે. 26/11ના ત્રાસવાદી તહવ્વુર રાણાના પ્રત્યાર્પણનો નિર્ણય લેવા બદલ હું પ્રમુખ ટ્રમ્પનો આભારી છું. આપણી અદાલતો તેને ન્યાય અપાવશે. મોદીએ કહ્યું, ‘અમારું માનવું છે કે ભારત અને અમેરિકાની એકતા અને સહયોગ એક સારી દુનિયાને આકાર આપી શકે છે.’
મોદીએ કહ્યું કે અમેરિકાના લોકો પ્રમુખ ટ્રમ્પના સૂત્ર, ‘મેક અમેરિકા ગ્રેટ અગેન’ એટલે કે ‘MAGA’ થી પરિચિત છે. ભારતના લોકો પણ 2047 માં વિકસિત ભારતના દ્રઢ સંકલ્પ સાથે વારસા અને વિકાસના માર્ગ પર વિકાસ તરફ ખૂબ જ ગતિ અને શક્તિ સાથે આગળ વધી રહ્યા છે. અમેરિકન ભાષામાં, વિકસિત ભારતનો અર્થ થાય છે ભારતને ફરીથી મહાન બનાવો, એટલે કે ‘MIGA’. જ્યારે અમેરિકા અને ભારત સાથે મળીને કામ કરે છે, એટલે કે ‘MAGA’ અને ‘MIGA’, ત્યારે તે બને છે – ‘સમૃદ્ધિ માટે MEGA ભાગીદારી’. અને આ મહાશક્તિ આપણા લક્ષ્યોને નવો વ્યાપ અને અવકાશ આપે છે.
મોદીએ કહ્યું, ‘ભારતની સંરક્ષણ તૈયારીઓમાં અમેરિકાની મહત્વપૂર્ણ ભૂમિકા છે.’ વ્યૂહાત્મક અને વિશ્વસનીય ભાગીદારો તરીકે, અમે સંયુક્ત વિકાસ, સંયુક્ત ઉત્પાદન અને ટેકનોલોજીના ટ્રાન્સફરને સક્રિયપણે અનુસરી રહ્યા છીએ. આજે આપણે TRUST પર સંમત થયા છીએ, એટલે કે વ્યૂહાત્મક ટેકનોલોજીનો ઉપયોગ કરીને સંબંધોમાં પરિવર્તન. આ અંતર્ગત, મહત્વપૂર્ણ ખનિજો, અદ્યતન સામગ્રી અને ફાર્માસ્યુટિકલ્સની મજબૂત સપ્લાય ચેઇન બનાવવા પર ભાર મૂકવામાં આવશે.
મોદીએ કહ્યું, ‘ભારત અને અમેરિકા વચ્ચેની ભાગીદારી લોકશાહી અને લોકશાહી મૂલ્યો અને પ્રણાલીઓને મજબૂત બનાવે છે.’ આપણે ઈન્ડો-પેસિફિકમાં શાંતિ, સ્થિરતા અને સમૃદ્ધિ વધારવા માટે સાથે મળીને કામ કરીશું. આમાં ક્વાડની ખાસ ભૂમિકા રહેશે. ત્રાસવાદ સામેની લડાઈમાં ભારત અને અમેરિકા મજબૂતીથી સાથે ઉભા રહ્યા છે. અમે સંમત છીએ કે સરહદ પારના ત્રાસવાદને નાબૂદ કરવા માટે નક્કર કાર્યવાહી જરૂરી છે.
સંયુક્ત પત્રકાર પરિષદની શરૂઆત પ્રમુખ ટ્રમ્પે તેમની ભારત મુલાકાત અને વડાપ્રધાન મોદીના આતિથ્યને યાદ કરીને કરી. તેમણે દેશોને આર્થિક રીતે મજબૂત બનાવવા માટે એક ફ્રેમવર્કની જાહેરાત કરી હતી. ટ્રમ્પે કહ્યું કે આ વર્ષે અબજો ડોલરના વધુ સંરક્ષણ વેચાણ શરૂ થઈ રહ્યા છે. ક્વાડ અને ઈન્ડો-પેસિફિક મજબૂત બનશે. ત્રાસવાદી તહવ્વુર રાણાની ભારતને સોંપણી કરાશે.
ટ્રમ્પે કહ્યું, ‘મને એ જાહેરાત કરતા આનંદ થાય છે કે મારા વહીવટીતંત્રે 2008ના મુંબઈ ત્રાસવાદી હુમલાના કાવતરાખોરોમાંથી એક (તહવ્વુર રાણા) ને ભારતમાં ન્યાયનો સામનો કરવા માટે પ્રત્યાર્પણ કરવાની મંજૂરી આપી છે.’ તે ન્યાયનો સામનો કરવા માટે ભારત પાછો જઈ રહ્યો છે.
ટ્રમ્પે કહ્યું, ‘વડાપ્રધાન મોદીએ તાજેતરમાં ભારતના અન્યાયી ટેરિફમાં ઘટાડો કરવાની જાહેરાત કરી છે.’ ભારત સાથે અમેરિકાની વેપાર ખાધ લગભગ $100 બિલિયન છે અને વડાપ્રધાન મોદી અને હું સંમત થયા છીએ કે અમે લાંબા સમયથી ચાલતા અસંતુલનને દૂર કરવા માટે સંકલન કરીશું જેને છેલ્લા ચાર વર્ષમાં દૂર કરવાની જરૂર હતી.
દ્વિપક્ષીય બેઠકમાં બંને નેતાઓએ ઈન્ડો-પેસિફિકમાં સુરક્ષા સહયોગને વધુ ગાઢ બનાવવા માટે પણ સહમતી વ્યક્ત કરી હતી. જે આ ક્ષેત્રમાં ચીનના પ્રભાવનો સામનો કરવા માટે મહત્વપૂર્ણ છે. ટ્રમ્પે એમ પણ કહ્યું કે તેમનું વહીવટીતંત્ર ભારતને અત્યાધુનિક F-35 ફાઇટર જેટ વેચવા માટે તૈયાર છે. વધુમાં, તેઓએ AI અને પરમાણુ ઊર્જા સહિત અદ્યતન તકનીકોમાં સંયુક્ત ઉત્પાદન સંબંધિત પહેલોની ચર્ચા કરી હતી.
મોદીને જ્યારે અદાણી વિશે સવાલ પુછવામાં આવ્યો
મોદીને ભારતીય બિઝનેસમેન ગૌતમ અદાણી વિરૂદ્ધ અમેરિકામાં ચાલી રહેલી તપાસ અંગે સવાલ પૂછવામાં આવ્યો હતો. જેના પર તેમણે જવાબ આપ્યો કે, ‘ભારત એ એક લોકશાહી દેશ છે. આપણા સંસ્કાર, આપણી સંસ્કૃતિ વસુધૈવ કુટુંબકમની છે. આપણે સમગ્ર વિશ્વને આપણો પરિવાર માનીએ છીએ. દરેક ભારતીયને હું મારો પોતાનો માનું છું. જો કે, આવા વ્યક્તિગત મુદ્દાઓ માટે બે દિગ્ગજ દેશોના વડા મુલાકાત કરતા નથી. તેઓ તેના પર ચર્ચા પણ નથી કરતાં કે વાત પણ કરતાં નથી.’
ગેરકાયદે રહેતા ભારતીયોને પરત લેવા ભારત તૈયારઃ મોદી
અમેરિકા દ્વારા ગેરકાયદે ભારતીય ઇમિગ્રન્ટોને ડિપોર્ટ કરવા અંગે વડાપ્રધાન મોદીએ પોતાનું વલણ સ્પષ્ટ કરતાં કહ્યું હતું કે, ‘જે લોકો અન્ય દેશોમાં ગેરકાયદે રીતે રહે છે તેમને ત્યાં રહેવાનો કોઈ કાયદેસર અધિકાર નથી. જ્યાં સુધી ભારત અને અમેરિકાનો સવાલ છે, અમે હંમેશા કહ્યું છે કે જે લોકો ભારતના ખરા નાગરિક છે અને જો તેઓ અમેરિકામાં ગેરકાયદે રીતે રહેતા હોય, તો ભારત તેમને પાછા લેવા તૈયાર છે.’
સંયુક્ત પ્રેસ કોન્ફરન્સમાં તેમણે વધુમાં જણાવ્યું હતું કે, ‘ગેરકાયદે રીતે રહેતા મોટાભાગના લોકો સામાન્ય પરિવારના છે અને માનવ તસ્કરો દ્વારા તેમને ગેરમાર્ગે દોરવામાં આવ્યા છે.’ ‘અમારા માટે આ લોકોને પાછા લેવા પૂરતું મર્યાદિત નથી. આ સામાન્ય પરિવારના લોકો છે. તેમને મોટા સપના બતાવવામાં આવે છે અને તેમાંથી મોટાભાગનાને ગેરમાર્ગે દોરીને અહીં લાવવામાં આવે છે. તેથી, આપણે માનવ તસ્કરીની આ સમગ્ર વ્યવસ્થા પર પ્રહાર કરવો જોઇએ. માનવ તસ્કરીનો અંત લાવવા માટે યુનાઇટેડ સ્ટેટ્સ અને ભારતે સાથે મળીને આવા જોડાણને તોડી પાડવા માટે કામ કરવું જોઈએ.’
અમારી મુલાકાતનો મતલબ એક ઔર એક 11 છેઃ મોદી
વડાપ્રધાન મોદી સાથે મુલાકાત બાદ ટ્રમ્પે કહ્યું કે, ‘અમારા સંબંધ ખુબ મજબૂત છે.’ તેમણે વડાપ્રધાન મોદીને પોતાના મિત્ર ગણાવ્યા. તેમણે કહ્યું કે, ‘મોદી મારા ખુબ સારા મિત્ર છે.’ જ્યારે વડાપ્રધાન મોદીએ બીજી વખત અમેરિકાના પ્રમુખ બનવા બદલ ટ્રમ્પને શુભકામનાઓ પાઠવી.
વડાપ્રધાન મોદીએ કહ્યું કે, ‘હું ભારતના લોકો તરફથી તમને શુભકામના પાઠવું છું. ભારતમાં મને ત્રીજી વખત સરકાર બનાવવાનો જનાદેશ આપવામાં આવ્યો છે. અમે સમાન ઉર્જા અને ઉત્સાહ સાથે મળીને કામ કરીશું.’
મોદીએ કહ્યું કે, ‘ભારત અને અમેરિકાની ભાગીદારીથી માનવતાને લાભ થશે. ટ્રમ્પ અમને અમેરિકા ગ્રેટ અગેઈનની યાદ અપાવે છે, એ જ રીતે 2047 સુધીમાં ભારતને એક વિકસિત દેશ બનાવવો 1.4 અબજ ભારતીયોની આશા અને સંકલ્પ છે. અમારા મળવાનો મતલબ એક ઓર એક 11 છે. જે માનવતા માટે મળીને કામ કરશે.’
ટ્રમ્પે કહ્યું કે, ‘વડાપ્રધાન મોદી શાનદાર કામ કરી રહ્યા છે, તેઓ એક મહાન નેતા છે. ભારત-અમેરિકા હંમેશા મિત્ર બન્યા રહેશે.’
