હરિયાણાના મુખ્યપ્રધાન તરીકે ગુરુવાર, 17 ઓક્ટોબરે નાયબ સિંહ સૈનીએ શપથ લીધા હતા. પંચકુલામાં યોજાયેલા શપથગ્રહણ સમારોહમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદી, બીજેપીના મોટા નેતાઓ અને NDA ભાગીદારો પક્ષોના નેતાઓ તથા 18 રાજ્યોના મુખ્યપ્રધાનો ઉપસ્થિત રહ્યાં હતાં. સમારોહ માટે ભારે સુરક્ષા વ્યવસ્થા કરવામાં આવી છે.

હરિયાણાના રાજ્યપાલ બંડારુ દત્તાત્રેય સૈનીને પદ અને ગોપનીયતાના શપથ લેવડાવ્યા હતા.સૈની આની સાથે બીજી વખત રાજ્યના મુખ્યપ્રધાન બન્યાં છે. સમારોહના કલાકો પહેલાં, સૈનીએ વાલ્મીકી ભવનની મુલાકાત લીધી હતી અને પંચકુલામાં ગુરુદ્વારા અને મનસા દેવી મંદિરમાં પ્રાર્થના કરી હતી.

પાંચ ઑક્ટોબર યોજાયેલી વિધાનસભા ચૂંટણીમાં ભાજપે હરિયાણામાં અભૂતપૂર્વ ત્રીજી મુદત માટે સત્તા મેળવી હતી. 90 સભ્યોની વિધાનસભામાં ભાજપે સ્પષ્ટ બહુમતી સાથે 48 બેઠકો જીતી હતી. કોંગ્રેસને 37 બેઠકો મળી હતી.

54 વર્ષીય સૈનીને બુધવારે પંચકુલામાં પાર્ટી કાર્યાલયમાં આયોજિત બેઠકમાં સર્વસંમતિથી ભાજપ વિધાયક દળના નેતા તરીકે ચૂંટવામાં આવ્યા હતાં.પાર્ટીના ઓબીસી ચહેરા સૈનીની ચૂંટણી પહેલા માર્ચમાં મનોહર લાલ ખટ્ટરની જગ્યાએ મુખ્યપ્રધાન બનાવવામાં આવ્યા હતાં. તેઓ કુરુક્ષેત્ર જિલ્લાની લાડવા વિધાનસભા બેઠક પર 16,054 મતોના માર્જિનથી વિજયી બન્યાં હતાં.

LEAVE A REPLY