
સ્માર્ટ ફોનનો વપરાશ વધ્યા બાદ લોકોને વોટ્સએપ કે ફેસબુક મેસેંજર પર વિડીયો કોલ કરી નગ્ન વિડીયો બતાવીને તમારા ફોનનું સ્ક્રીન રેકોર્ડીંગ કરીને નાણાં પડાવવાના બનાવો પણ વધી રહ્યા છે.
આ કૌભાંડમાં જે તે ગુનેગાર દ્વારા વિડીયો કોલ કરવામાં આવે છે. ફોન ઉપાડીને ફોન સામે રાખીને જેવી વાત કરવાનું શરૂ કરાય કે તુરંત જ ફોનના સ્ક્રીન પર નગ્ન વિડીયો દેખાય છે. તેમાં સ્ત્રી કે પૂરૂષોની બ્લુ ફિલ્મ કે શરીરના અંગો બતાવાય છે. આવા ફોનની અપેક્ષા ન હોવાથી જે તે વ્યક્તિ અટવાઇ જાય છે. કોઇક વખત વ્યક્તિ કુતુહલવશ પણ વિડીયો જુએ છે.
ગઠીયાઓ તમે ફોન ઉપાડો કે તુરંત આવા વિડીયો કોલનું રેકોર્ડીંગ કે સ્ક્રિન રેકરોર્ડીંગ કરી લે છે અને તે વિડીયો ફોનનું રેકોર્ડીંગ તમને મોકલી આપે છે. આ ગઠીયાઓ તમે ફોન પર ગંદા વિડીયો જુઓ છો તેવું લાંછન લગાવી વિડીયો પરિવારજનો અને મિત્રોને મોકલી આપીશું એવી ધમકી આપી નાણાંની માંગણી કરે છે. લોકો પોતાના આવા વિડીયો જોઇને ગભરાય છે અને મોટે ભાગે નાણાં આપી દેવા તૈયાર થઇ જાય છે.
આવા છેતરપીંડીના બનાવો ને અટકાવવા બને ત્યાં સુધી કોઇ અજાણી વ્યક્તિ સાથે વિડીયો કોલ પર વાત ન કરવી. શંકા હોય અને વાત કરવી જરૂરી લાગે તો પોતાનો ચહેરો બતાવ્યા વગર વાત કરવી. કદાચ વિડીયો રેકોર્ડીંગ કરી પણ લેવાયું હોય તો મિત્રો અને પરિચિતોને આ અંગેની જાણ કરવી જોઇએ અને ડરવાના બદલે મદદ માંગવી જોઇએ.
