ઈસ્લિંગ્ટન મંદિર

-સાધુ શુકમુનિદાસ સ્વામી, BAPS દ્વારા 

20 ઓગસ્ટ 1995ના રોજ પૂજ્ય પ્રમુખસ્વામી મહારાજે લંડનમાં BAPS શ્રી સ્વામિનારાયણ મંદિર (નીસડન મંદિર)ના દરવાજા વિશ્વ માટે ખોલ્યા હતાં. આ પછીથી જીવનના તમામ ક્ષેત્રો અને વિશ્વભરમાંથી અસંખ્ય મુલાકાતીઓ તેમની આધ્યાત્મિક ભવ્યતા અને દૈવી હાજરી તરફ આકર્ષાયા છે. આ ઐતિહાસિક પ્રસંગનો હું જાતે જ સાક્ષી બન્યો છું.

જોકે આ અસાધારણ યાત્રાનો પાયો ઘણો અગાઉ એટલે કે 15 સપ્ટેમ્બર 1974ના રોજ નાખવામાં આવ્યો હતો. તે સમયે પ્રમુખ સ્વામી મહારાજે ઈસ્લિંગ્ટન મંદિરમાં વિધિપૂર્વક નવી મુર્તિઓ સ્થાપિત કરી હતી. આ મુર્તિઓ મૂળ તોરોરોના સ્વામિનારાયણ મંદિરમાં હતી, જ્યાં હું બાળપણમાં મોટો થયો હતો.

પૂજ્ય યોગીજી મહારાજે ચાર વર્ષ અગાઉ 1970માં આ મંદિરનું ઉદ્ઘાટન કર્યું હતું, જે પશ્ચિમ ગોળાર્ધમાં પ્રથમ સ્વામિનારાયણ મંદિર તરીકે ઓળખાય છે.

આ બંને ઘટનાઓનો સાક્ષી બનવાનું મને સૌભાગ્ય મળ્યું છે. હું મારા બાળપણના શરૂઆતના વર્ષોની કોઈ યાદોને યાદ કરી શકતો નથી, પરંતુ મને ખાતરી છે કે 1964માં મારા જન્મના થોડા અઠવાડિયા પછી મને ટરોરો (યુગાન્ડા)માં તે જ મુર્તિ સમક્ષ મૂકવામાં આવ્યો હતો. કેવા આશીર્વાદ હતું કે હું ઘણા વર્ષો પછી લંડનમાં તે મુર્તિઓની સેવા કરી શક્યો છું.
1970ના દાયકાની શરૂઆત લંડનમાં ભારતીય સમુદાય માટે પડકારજનક હતી. પાયાની વસ્તુઓ મેળવવા માટે વર્ષોના સંઘર્ષ પછી સમુદાયે ટાંચા નાણાકીય અને ભૌતિક સંસાધનો સાથે ચર્ચને મંદિરમાં રૂપાંતરિત કરવાનું અશક્ય લાગતું કાર્ય શરૂ કર્યું હતું.

આ પડકારો હોવા છતાં સમુદાયની ભાવના સ્પષ્ટ દેખાતી હતી. મને રવિવારની સવારે બાળ સભાઓની ખૂબ જ યાદ છે, જ્યાં હું અન્ય બાળકો સાથે વેક્યુમિંગ, વાસણો ધોવા અને મંદિરની સફાઈ જેવા વિવિધ સેવા કાર્યોમાં જોડાયો હતો. શુક્રવાર-શનિવારનું રાત્રિ રોકાણ ખાસ કરી યાદગાર હતું. આ એક સમય હતો, જ્યારે અમે અભ્યાસ કર્યો, ટેબલ ટેનિસ અને કેરમ રમ્યા, સાથે ભોજન લીધું અને આધ્યાત્મિક ખ્યાલો વિશે આનંદપ્રદ ચર્ચાઓમાં સામેલ થયા હતાં. આ અનુભવોએ બધા વચ્ચે ઊંડો સંબંધ સ્થાપિત કર્યો અને સેવાની મજબૂત ભાવના જગાડી હતી. મને રવિવારે ભક્તો અને મુલાકાતીઓની સેવા કરવાનું પણ યાદ છે, જે અમારી સાપ્તાહિક દિનચર્યાનો એક પ્રિય ભાગ બની ગયો હતો.

યોગીજી મહારાજે યુવાનોને ઉદ્ઘાટન માટે સ્થળ તૈયાર કરવામાં મદદ કરવા પ્રોત્સાહિત કર્યા હતાં. મારા બે મોટા ભાઈઓ (સૌથી મોટા – પ્રેમવદનદાસ સ્વામી) અને મેં 1970માં યોગીજી મહારાજના લંડન આગમનની તૈયારી કરી હતી. તે રીતે ઈતિહાસનો હિસ્સો બનવા માટે શક્ય તેટલું યોગદાન આપ્યું હતું.

હું શનિવાર, 23 મે 1970નો મહત્વપૂર્ણ દિવસ ક્યારેય ભૂલીશ નહીં. આ દિવસે આદરણીય સત્પુરુષ યોગીજી મહારાજનું સાંજે 4:44 વાગ્યે હીથ્રો ખાતે આગમન થયું હતું. ભગવાનનો સાક્ષાત્કાર પામેલા સ્વામીએ પ્રથમ વખત યુરોપની ધરતી પર ચરણ મૂક્યાં હતાં. મારું હૃદય લાગણીથી છલકાઈ ગયું હતું. હું દરરોજ સવાર-સાંજ ડોલીસ હિલ ખાતેના તેમના આવાસની મુલાકાત લઈ તેમના દર્શન કરવા જતો હતો, તે ક્ષણો મારા હૃદયમાં હજુ પણ કોતરાયેલી છે.
તેમના 45-દિવસના રોકાણ દરમિયાન, યોગીજી મહારાજ અમારા માટે અદમ્ય સ્મૃતિઓ સાથે છોડી ગયા, જેમાંથી સૌથી વધુ જીવંત યાદ નગરયાત્રા હતી, જે સેન્ટ્રલ લંડનથી આઇકોનિક લેન્ડમાર્ક સુધીની હતી.

એક નાના બાળક તરીકે, હું સુંદર રીતે શણગારેલા રથ સાથે યુવાનો સાથે આનંદપૂર્વક નાચતો હતો તથા યોગીજી મહારાજ અને પ્રમુખ સ્વામીને નીરખતો હતો. તેઓ હરિકૃષ્ણ મહારાજ (ભગવાન સ્વામિનારાયણની પવિત્ર મૂર્તિ)ને એક ભવ્ય કારમાં લઈ જતા હતાં. શોભાયાત્રા પછીના મંદિરના વાતાવરણનું શબ્દોથી વર્ણન થઈ શકે તેમ નથી. તે સમયે વાતાવરણમાં દિવ્યતાની એક સહિયારી ભાવના ફેલાઈ હતી.

યોગીજી મહારાજે ભારત માટે પ્રયાણ કર્યા પછી વાસ્તવિક કાર્ય શરૂ થયું હતું. પડકારો અવિરત હતાં. મને યાદ છે કે કાતિલ શિયાળા દરમિયાન, છતમાંથી વરસાદના ટીપાં પડતાં હતાં, પરંતુ હીટરની આસપાસ ભક્તો સાથે ઝૂમ્યા હતાં. સંસાધનો મર્યાદિત હતાં. અમુક સમયે, અમે દિવો પ્રગટાવવા માટે પૂરતા પ્રમાણમાં ઘી મેળવી શકતા ન હતાં.
છતાં, ભક્તોમાં એકતાની ભાવના સામે પ્રતિકૂળતા મામૂલી બની હતી. મને યાદ છે કે એક રિટેલ સ્ટોરના સ્ટોરેજ રૂમમાં કાર્ડબોર્ડ બોક્સ પર બેઠેલા વરિષ્ઠ સ્વયંસેવકો આગળના માર્ગની ચર્ચા કરતાં હતાં.

1972માં વતનમાંથી હાંકી કાઢવામાં આવેલા યુગાન્ડાનો એશિયનોના આગમન સાથે આ એકતાની આ ભાવના નિર્ણાયક બની હતી. ઘણા લોકો માત્ર પહેરેલા કપડાં સાથે લંડન પહોંચ્યા હતાં. તે મુશ્કેલ સમયમાં આ મંદિર આશા અને આશ્વાસનનું સ્ત્રોત બની ગયું હતું.

જૂન 1974માં પૂજ્ય પ્રમુખસ્વામી મહારાજ પ્રથમ વખત ગુરુ તરીકે યુકેની મુલાકાતે આવ્યા હતાં. મને યુગાન્ડામાં યોગીજી મહારાજ દ્વારા સ્થાપિત કરાયેલી મોટી મુર્તિઓના બીજી પ્રાણપ્રતિષ્ઠા જોવાનો લહાવો મળ્યો હતો. યુગાન્ડાના એશિયનોની હિજરત પછી આ મુર્તિઓને લાવવામાં આવી હતી.

1974 અને 1977માં પૂજ્ય પ્રમુખસ્વામી મહારાજની મુલાકાતોની પ્રેરણાથી સમગ્ર યુકેમાં બાળકો અને યુવા પ્રવૃત્તિઓ ખીલી હતી. 1979માં યુકે અને યુએસએ બંનેમાં સાંસ્કૃતિક કાર્યક્રમોમાં ભાગ લેવાનું મને વ્યક્તિગત રીતે સૌભાગ્ય મળ્યું હતું.

પૂજ્ય યોગીજી મહારાજે ભવિષ્ય જોયું હતું કે આ સેવાકાર્ય આખરે ઇસ્લિંગ્ટન મંદિરથી આગળ વધશે. 1982માં પૂજ્ય પ્રમુખ સ્વામી મહારાજે નિસડનમાં એક નવા મંદિરની પ્રાણપ્રતિષ્ઠા કરી હતી. 1995માં ભવ્ય શિખરબદ્ધ મંદિરના ઉદઘાટન સાથે આ આ અદભૂત યાત્રા તેના પરાકાષ્ઠાએ પહોંચી હતી, જે હવે યુકેના તમામ હિંદુઓ માટે ગૌરવ બની ગઈ છે. 1970ના દાયકામાં એક યુવાન છોકરા તરીકે મેં શરૂ કરેલી યાત્રા 1981માં સ્વામી તરીકે ચાલુ રહી અને હવે 1995માં મંદિર કાર્યની પૂર્ણાહુતિ સાથે એક ચક્ર પૂરું થયું છે.

શુકમુનિદાસ સ્વામી

શુકમુનિદાસ સ્વામી: સેવા અને પ્રેરણાનું જીવન

1964માં યુગાન્ડામાં જન્મેલા અને લંડનમાં ઉછરેલા શુકમુનિદાસ સ્વામીને 1981માં પરમ પવિત્ર પ્રમુખ સ્વામી મહારાજ દ્વારા સાધુ તરીકે નિયુક્ત કરવામાં આવ્યા હતા. તેમણે ભારતમાં તાલીમ મેળવી, હિન્દુ શાસ્ત્રો, સ્વામિનારાયણ ફિલસૂફી અને સંગીતનો અભ્યાસ કર્યો હતો અને વર્ષો સુધી સમર્પિત સેવા કરી તેમના ગુરુના આશીર્વાદ મેળવ્યા હતા.

1995માં, શુકમુનિદાસ સ્વામી લંડન પાછા ફર્યા, જ્યાં તેમણે યુકે અને યુરોપમાં BAPS માટે યુવા આઉટરીચનું નેતૃત્વ કર્યું હતું. 2014થી, તેઓ યુએસએમાં સેવા આપી રહ્યા છે અને સાઉથ ઇસ્ટ પ્રદેશમાં BAPS પ્રવૃત્તિઓની દેખરેખ રાખી રહ્યા છે. એક હોશિયાર વક્તા અને ગાયક હોવા ઉપરાંત તેમની વાતો અને સંગીત વિશ્વભરના લોકોને પ્રેરણા આપતા રહે છે.

શુકમુનિદાસ સ્વામીનું જીવન વિશ્વાસ, શિક્ષણ અને સમુદાયના ઉત્થાન પ્રત્યેના તેમના અતૂટ સમર્પણનો પુરાવો છે.

LEAVE A REPLY