અમેરિકામાં નેશનલ ગ્રાન્ડપેરેન્ટ્સ ડે પર વાઇસ પ્રેસિડન્ટ કમલા હેરિસે તેમના ભારતીય મૂળને યાદ કરતાં જણાવ્યું હતું કે ભારતમાં તેઓ તેમના દાદા-દાદીને મળવા જતાં હતા ત્યારે દાદા તેમને મોર્નિંગ વોક પર લઈ જતા હતાં તથા સમાનતા માટેની લડાઈ અને ભ્રષ્ટાચાર સામે લડવાના મહત્વની ચર્ચા કરતા હતી. પ્રેસિડન્ટની ચૂંટણી લડી રહેલા કમલા હેરિસે એક જૂનો ફેમિલી ફોટો સોશિયલ મીડિયા પર શેર કર્યો હતો અને દાવો કર્યો હતો કે તેના દાદા ભારતની આઝાદીની ચળવળમાં સામેલ થયાં હતાં.
હેરિસે જણાવ્યું હતું કે ભારતમાં મારા દાદા-દાદીની મુલાકાત લેતી એક યુવાન છોકરી તરીકે, મારા દાદા મને તેમના મોર્નિંગ વોક પર જતાં હતા, જ્યાં તેઓ સમાનતા માટેની લડાઈ અને ભ્રષ્ટાચાર સામે લડવાના મહત્વ વિશે ચર્ચા કરતા હતાં. તેઓ એક નિવૃત્ત સરકારી સેવક હતાં જેઓ ભારતની સ્વતંત્રતાની લડાઇમાં સામેલ થયાં હતાં.
હેરિસે પોતાના દાદા-દાદી પીવી ગોપાલન અને રાજમ ગોપાલનને યાદ કરીને પરિવારનો એક જુનો ફોટો પણ શેર કર્યો હતો અને ભારતમાં વિતાવેલા દિવસોને પણ યાદ કર્યા હતા.
કમલા હેરિસના દાદા પીવી ગોપાલનએ દેશની આઝાદી પછી ભારત સરકાર અને સંસ્થાનવાદી સમયગાળા દરમિયાન બ્રિટિશ વહીવટ બંને માટે કામ કર્યું હતું. કેટલાક અહેવાલો અનુસાર, ગોપાલને પૂર્વ પાકિસ્તાન(હવે બાંગ્લાદેશ)થી શરણાર્થીઓને ભારતમાં લાવવામાં પણ મદદ કરી હતી. તેમણે ઝામ્બિયાના ભૂતપૂર્વ પ્રેસિડન્ટ કેનેથ કાઉન્ડાના સલાહકાર તરીકે પણ સેવા આપી હતી. પીવી ગોપાલનના પત્ની રાજમ ગોપાલનને ઝામ્બિયામાં તેમના સામાજિક કાર્ય માટે ઓળખવામાં આવી હતી.
જોકે ભારતના સોશિયલ મીડિયા યુઝર્સે આ દાવા સામે વાંધો ઉઠાવ્યો અને ધ્યાન દોર્યું હતું કે તેમના દાદા બ્રિટિશ ઈમ્પિરિયલ સેક્રેટરિએટ સર્વિસમાં હતા જે આઝાદી પછી સેન્ટ્રલ સેક્રેટરિએટ સર્વિસ બની ગઈ હતી. સેવા આપતા અમલદાર તેમની જ સરકારનો વિરોધ અને સેવા નિયમોનું ઉલ્લંઘન કરીને સ્વતંત્રતા ચળવળનો ભાગ કેવી રીતે હોઈ શકે?” એક યુઝરે લખ્યું. “તમે કહો છો તે બધું જૂઠું છે.”