સાઉથપોર્ટમાં બાળકીઓની હત્યા બાદ ઇંગ્લેન્ડ અને નોર્ધર્ન આયર્લેન્ડમાં ફાટી નીકળેલા ભયાનક તોફાનોને પગલે યુકેમાં વસતા મુસ્લિમો અને એસાયલમ સિકર્સમાં ફફડાટ ફેલાયો છે. મુસ્લિમ કાઉન્સિલ ઓફ બ્રિટને ફેઇથ લીડર્સ માટે સુરક્ષા પર એક બ્રીફિંગનું આયોજન કર્યું છે અને મસ્જિદોને જાગ્રત રહેવા વિનંતી કરી છે.

બુધવારે સાંજે તોફાનોની આશંકાના કારણે હાર્ટલેપુલની નાસિર મસ્જિદના દરવાજા બંધ કરવા પોલીસ દ્વારા કહેવાયું હતું. વિરોધ પ્રદર્શન ઉગ્ર થતાં પોલીસની કાર સળગાવી દેવામાં આવી હતી અને અધિકારીઓએ હુમલો કર્યો હતો. આગામી દિવસોમાં ઓછામાં ઓછા વધુ 19 ફાર રાઇટ વિરોધ પ્રદર્શનોનું આયોજન કરાયું છે.

નાસિર મસ્જિદના જનરલ સેક્રેટરી, મુહમ્મદ અલી અહમદે અત્યાર સુધીના સૌથી વધુ ચિંતાજનક પ્રદર્શન તરીકે વર્ણન કરતાં કહ્યું હતું કે “સ્વાભાવિક રીતે મુસ્લિમ સમુદાય પોતાની સુરક્ષા માટે, તેમના પરિવારોની અને તેમની મસ્જિદની સલામતી માટે ચિંતિત હશે. આ પરેશાન કરનારું છે. મેં મારી 65 વર્ષની માતાને કહ્યું છે કે થોડા દિવસો માટે બહાર ન જશો – બાબતોને શાંત થવા દો.'”

સાઉથપોર્ટ મસ્જિદના એકાઉન્ટન્ટ શાહિદ બાબુ પટેલે તા. 30ને મંગળવારે ફાર રાઇટ પ્રદર્શનકારીઓ કરેલા હુમલા અંગે કહ્યું હતું કે “આ સાઉથપોર્ટની એકમાત્ર મસ્જિદ છે. બીજી સૌથી નજીકની મસ્જિદ 25 માઈલથી વધુ દૂર છે… મારી ચિંતા મારા 91 વર્ષના પિતા અને અન્ય વરિષ્ઠ મુસ્લિમો માટેની છે. અમે તેમને બધાને હાલ માટે દૂર રહેવા કહ્યું છે.’’

સાઉથપોર્ટ વિસ્તારમાં રહેતા એક એસાયલમ સીકરે જણાવ્યું હતું કે “અમે છરાબાજીનો ભોગ બનેલા પરિવારોને કહેવા માંગીએ છીએ કે જે બન્યું તેના માટે અમે કેટલા દિલગીર છીએ, પરંતુ અમારી પાસે આ કરવાનો કોઈ રસ્તો નથી.”

ફાર રાઇટ જૂથો દ્વારા એલ્ડરશોટ અને ચિચેસ્ટરમાં એસાયલમ સિકર્સના આવાસ પર કરાયેલા વિરોધ પ્રદર્શનો પછી તે લોકો તેમની સલામતી માટે ડરે છે.

સમગ્ર યુકેમાં મુસ્લિમ નેતાઓને જોખમ અને સુરક્ષા સલાહ આપતા Mosquesecurity.com ના ડિરેક્ટર શૌકત વારૈચે જણાવ્યું હતું કે ‘’તેમને મદદ માંગતી 100થી વધુ મસ્જિદો પાસેથી પૂછપરછ મળી છે.

તો ગ્લોસ્ટરના ઇમામ અબ્દુલ્લાએ કહ્યું હતું કે “અમને સમગ્ર દેશમાંથી મસ્જિદના નેતાઓ અને સમિતિના સભ્યો તરફથી મસ્જિદો માટે ચોકીદાર ટીમ રાખવાની જરૂર, મસ્જિદમાં એકલા ન જવા, મસ્જિદોની વધારાની સુરક્ષા ધ્યાનમાં લેવા સલાહ અપાઇ છે. અમને લાગે છે કે તેઓ ખાસ કરીને મુસ્લિમ સમુદાયની વિરુદ્ધ છે. આ દેખાવો “ખૂબ જ લક્ષિત” છે અને મુસ્લિમ સમુદાયના સભ્યોને સાવચેતી રાખીને તેમના રોજિંદા જીવનમાં હાજરી આપવા વિનંતી કરૂ છું.’’

તોફાનો બાદ મુસ્લિમો સામે બળાત્કાર અને મૃત્યુ સહિતની ધમકીઓમાં પાંચ ગણો વધારો

મોનિટરિંગ ચેરીટી ‘ટેલ મામા’એ તોફાનો બાદ મુસ્લિમો સામે બળાત્કાર અને મૃત્યુ સહિતની ધમકીઓમાં પાંચ ગણો અને હેટ ક્રાઇમની ઘટનાઓમાં ત્રણ ગણો વધારો થયો હોવાનું જણાવ્યું છે. બ્રિટનમાં મુસ્લિમો સોમવારથી ફાર રાઇટ પ્રવૃત્તિમાં વધારો થવાથી “આતંકિત” થઈ ગયા છે.

ચેરિટી કહે છે કે લોકો તેમના ઘર છોડવા માટે ખૂબ જ ડરે છે તો હિજાબ પહેરતી સ્ત્રીઓ શેરીમાં ધમકીઓનો સામનો કરી રહી છે. આ અગાઉ ઇઝરાયેલ-ગાઝા સંઘર્ષને કારણે હેટ ક્રાઇમની ઘટનાઓમાં વધારો થયો હતો.

ટેલ મામાના ડિરેક્ટર, ઈમાન અટ્ટાએ જણાવ્યું હતું કે ‘’આ વલણ સાઉથપોર્ટ હુમલા પછી ફેલાયેલી ખોટી માહિતીને કારણે છે, જેણે મુસ્લિમોને આ ઘટના સાથે ખોટી રીતે જોડ્યા હતા. કૂચ અને હિંસા સમુદાયોને આતંકિત કરી રહી છે. લોકો દેખાવા કે મસ્જિદમાં જવા માંગતા નથી. લોકોને ઇમિગ્રેશન વિશે ચિંતાઓ કરી શકે છે પરંતુ તેનો અર્થ એ નથી કે તેઓ મસ્જિદોમાં તોડફોડ કરે અથવા મુસ્લિમ સમુદાયો પર હુમલો કરે અથવા ધમકી આપે.’’

 

LEAVE A REPLY