H-1B વિઝા પ્રોગ્રામના બચાવ માટે જંગ છેડવાની પ્રતિજ્ઞા લીધાના દિવસો પછી ટેક બિલિયોનેર ઇલોન મસ્કએ રવિવારે જણાવ્યું હતું કે અમેરિકામાં કુશળ વિદેશી કામદારોને લાવવા માટે ઉપયોગમાં લેવાતી આ સિસ્ટમ ભાંગી પડી છે અને તેમાં મોટા સુધારા કરવાની જરૂર છે.
મસ્ક અને ભારતીય-અમેરિકન ટેક ઉદ્યોગસાહસિક વિવેક રામાસ્વામી તાજેતરમાં ઇમિગ્રેશનના મુદ્દા પર યુએસના ચૂંટાયેલા પ્રેસિડન્ટ ડોનાલ્ડ ટ્રમ્પના મેઇક અમેરિક ગ્રેટ અગેઇન (MAGA)ના કટ્ટર સમર્થકો સાથે વાકયુદ્ધમાં ઉતર્યા હતાં. મસ્ક અને રામાસ્વામી બંને H-1B વિઝા પ્રોગ્રામને સમર્થન આપ્યું છે.
ટ્રમ્પે વ્હાઇટ હાઉસના આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ (એઆઇ)ના નીતિવિષયક સલાહકાર તરીકે ભારતીય મૂળના ઉદ્યોગસાહસિક શ્રીરામ કૃષ્ણનની નિમણુક કર્યા પછી ઇમિગ્રેશન નીતિ અને ખાસ કરીને H-1B વિઝાના મુદ્દે ટેક બિલિયોનેર ઇલોન મસ્ક અને ડોનાલ્ડ ટ્રમ્પના મેક અમેરિકા ગ્રેટ અગેઇન (MAGA)ના કટ્ટર સમર્થકો વચ્ચે જંગ છેડાયો હતો. ડોનાલ્ડ ટ્રમ્પે આ જંગમાં એચવનબી વિઝા પ્રોગ્રામ અને ઇલોન મસ્કને સમર્થન આપ્યું હતું.
મસ્ક ઉપરાંત વિવેક રામાસ્વામી, શ્રી થાનેદાર બીજા ભારતીય મૂળના નેતાઓ પણ Maga સમર્થકોના રોષનો ભોગ બન્યાં હતાં. મસ્કને સમર્થન આપતા ટ્રમ્પે જાહેરાત કરી હતી કે અમેરિકામાં જોબ કરવા ઇચ્છતા અને લાયકાત ધરાવતા પ્રોફેશનલોને આપવામાં આવતા એચ-1બી વિઝાની તેઓ તરફેણ કરે છે. તેમણે આ મુજબની જાહેરાત કરીને એચ-1બી વિઝાના પ્રોગ્રામનો વિરોધ કરનારા લોકોને બાજુએ હડસેલી મૂક્યા હતાં. તેમના આ ટિપ્પણીને કારણે ભારતીયો સહિતના વિદેશી પ્રોફેશનલને હાશકારો થયો છે.
આ પ્રોગ્રામના મુદ્દે ટ્રમ્પના સલાહકાર અબજપતિ ઉદ્યોગપતિ ઇલોન મસ્ક અને વિવેક રામાસ્વામી વિરુદ્ધ જમણેરી વિચારધારા ધરાવતા લોકોએ રીતસરનો મોરચો માંડ્યો હતો, પરંતુ ટ્રમ્પે ખુલ્લેઆમ આ વિઝાની તરફેણ કરીને તમામ લોકોની હવા કાઢી નાંખી હતી.
ન્યૂયોર્ક પોસ્ટને આપેલા ટેલિફોનિક ઇન્ટરવ્યૂમાં ટ્રમ્પે જણાવ્યું હતું કે આ ખુબ સારો વિઝા પ્રોગ્રામ છે. મને કાયમથી આ વિઝા પ્રોગ્રામ ખુબ ગમે છે, હું હંમેશથી તેની તરફેણ કરી રહ્યો છું, આને આ વિઝા થકી જ આપણે વિદેશી લાયકાત ધરાવતા પ્રોફેશનલો મેળવી શક્યા છીએ. મારી જુદી જુદીકંપનીઓમાં અનેક એવા કર્મચારીઓ છે જેઓ એચ-1બી વિઝા ઉપર કામ કરે છે. હું દઢપણે વિઝામાં શ્રદ્ધા ધરાવું છું, મેં ઘણીવાર આ વિઝાનો ઉપયોગ પણ કર્યો છે.