અમેરિકન અબજોપતિ ઇલોન મસ્કની માલિકીની સોશિયલ મીડિયા કંપની ‘X’ (અગાઉ ટ્વિટર)એ ભારત સરકાર વિરુદ્ધ કર્ણાટક હાઈકોર્ટમાં દાવો દાખલ કર્યો છે, જેમાં તેને ગેરકાયદેસર સામગ્રી નિયમન અને મનસ્વી સેન્સરશીપની પડકારી છે.
કંપનીએ સરકાર દ્વારા ઇન્ફર્મેશન ટેકનોલોજી (IT) એક્ટના અર્થઘટન અને ખાસ કરીને કલમ 79(3)(b) ના ઉપયોગ પર ચિંતા વ્યક્ત કરી છે. કંપનીનો દાવો છે કે તેનાથી સુપ્રીમ કોર્ટના ચુકાદાઓનું ઉલ્લંઘન થાય છે અને ઓનલાઈન અભિવ્યક્તિની સ્વતંત્રતાને નબળી પડે છે. મુકદ્દમામાં આરોપ મૂકવામાં આવ્યો છે કે સરકાર કલમ 69Aમાં દર્શાવેલ માળખાગત કાનૂની પ્રક્રિયાને બાયપાસ કરીને, સમાંતર સામગ્રી-અવરોધિત પદ્ધતિ બનાવવા માટે ઉપરોક્ત કલમનો ઉપયોગ કરી રહી છે. આ અભિગમ શ્રેયા સિંઘલ કેસમાં સુપ્રીમ કોર્ટના 2015ના ચુકાદાથી વિરુદ્ધ છે. ચુકાદામાં સ્થાપિત કરવામાં આવ્યું હતું કે સામગ્રીને ફક્ત યોગ્ય ન્યાયિક પ્રક્રિયા દ્વારા અથવા કલમ 69A હેઠળ કાયદેસર રીતે વ્યાખ્યાયિત માર્ગ દ્વારા જ બ્લોક કરી શકાય છે.
કંપનીએ દલીલ કરી છે કે આ જોગવાઈ સરકારને સામગ્રી બ્લોક કરવાની સ્વતંત્ર સત્તા આપતી નથી.યોગ્ય પ્રક્રિયાનું પાલન કર્યા વિના મનસ્વી સેન્સરશીપ લાદવા માટે સરકાર કાયદાનો દુરુપયોગ કરી છે.
