ઇલોન મસ્ક ટૂંકસમયમાં સરકારી ભૂમિકાથી રાજીનામાંથી આપશે તેવા મીડિયા અહેવાલનું ખંડન કરતાં વ્હાઇટ હાઉસે જણાવ્યું હતું કે ઇલોન મસ્ક ફેડરલ ખર્ચ ઘટાડવા અને સરકારી કાર્યબળનું પુનર્ગઠન કરવાના તેમના મિશનને પૂર્ણ ન કરે ત્યાં સુધી તેમની સરકાર દ્વારા નિયુક્ત ભૂમિકામાં રહેશે. તાજેતરના મીડિયા અહેવાલોમાં અટકળો કરાઈ હતી કે મસ્ક ટૂંક સમયમાં તેમનું પદ છોડી શકે છે, પરંતુ અધિકારીઓએ સ્પષ્ટ કર્યું હતું કે તેઓ ડિપાર્ટમેન્ટ ઓફ ગવર્નમેન્ટ એફિશિયન્સી (DOGE) હેઠળના તેમના ઉદ્દેશ્યો પૂર્ણ ન થાય ત્યાં સુધી રહેશે.
ટ્રમ્પે ટેસ્લા અને સ્પેસએક્સના CEO મસ્કને એક વિશેષ સરકારી કર્મચારીનો કાર્યભાર સોંપ્યો હતો અને તેમને સરકારી ફન્ડિંગમાં કપાત કરવાની તેમજ વિવિધ અમેરિકન એજન્સીઓ બંધ કરવાના પ્રયાસોનું નેતૃત્વ કરવાનું કામ સોંપ્યું હતું. મસ્કનો કાર્યકાળ 20 મેના રોજ પૂર્ણ થાય છે.
અમેરિકામાં કોંગ્રેસ દ્વારા 1962માં બનાવવામાં આવેલા નિયમાનુસાર, સ્પેશિયલ ગવર્નમેન્ટ એમ્પ્લોયીનો હોદ્દો, સમય મર્યાદા નિર્ધારિત છે. તેઓ 365 દિવસમાંથી મહત્તમ 130 દિવસ જ એક્ઝિક્યુટીવ શાખામાં કામ કરી શકે છે. તેઓ સરકારના સલાહકાર, એડવાઈઝરી બોર્ડ મેમ્બર તરીકે કામ કરે છે. તેમનો દરજ્જો તેમને ચોક્કસ નાણાકીય જાહેરાત આવશ્યકતાઓને અવગણવાની મંજૂરી આપે છે. આ સ્થાપિત નિયમ હોવા છતાં, વ્હાઇટ હાઉસના ડેપ્યુટી પ્રેસ સેક્રેટરી હેરિસન ફિલ્ડ્સે સ્પષ્ટતા કરી છે કે, મસ્કનો કાર્યકાળ જરૂરીયાત મુજબ 130 દિવસ સુધી મર્યાદિત રહેશે નહીં.
