ભારતી એરટેલ પછી મુકેશ અંબાણીની રિલાયન્સ જિયોએ ભારતમાં સ્ટારલિંક સેટેલાઇટ ઇન્ટરનેટ સેવાઓ લાવવા માટે ઇલોન મસ્કની કંપની સ્પેસએક્સ સાથે એક કરાર પર હસ્તાક્ષર કર્યા હતાં. રિલાયન્સ અને સ્પેસએક્સની આ ડીલ એક આશ્ચર્યજનક પગલું છે, કારણ કે ભારતમાં સેટેલાઇટ ઇન્ટરનેટના લાઇસન્સ માટે બંને કંપનીઓ વચ્ચે ઘણા મહિનાથી વિવાદ ચાલતો હતો. સ્ટારલિંક વિશ્વભરના ૧૨૫થી વધુ બજારોમાં સેટેલાઇટ ઇન્ટરનેટ સેવા ઓફર કરે છે, પરંતુ ભારતમાં હજુ તેને લાઇસન્સ મળ્યું નથી.
ભારતની સૌથી મોટી ટેલિકોમ ઓપરેટર રિલાયન્સ જિયો તેના રિટેલ સ્ટોર્સમાં સ્ટારલિંક ઇક્વિપમેન્ટનું વેચાણ કરશે. આનાથી સ્ટારલિંકને દેશભરમાં આવા હજારો રિટેલ સ્ટોર્સનું ડિસ્ટ્રિબ્યુશન નેટવર્ક મળશે.
અંબાણીની રિલાયન્સને ચિંતા હતી કે મસ્ક તેમની પ્રોડક્ટ્સ લોન્ચ કર્યા પછી ટેલિકોમ ક્ષેત્ર પર પ્રભુત્વ મળશે, પરંતુ વિતરણ સોદાને કારણે ભારતીય અબજોપતિ ઝડપથી વિકસતા બજારમાં તેમના હરીફની પ્રોડક્ટ્સ પણ ઓફર કરશે, અને તેમની સાથે સ્પર્ધા પણ કરશે.
સ્ટારલિંક અને ભારતની નંબર 2 ટેલિકોમ કંપની ભારતી એરટેલ વચ્ચે એક દિવસ પહેલા આવી જ સમજૂતી થઈ હતી. એરટેલ અને જિયો બંનેની ડીલસ્ટારલિંકને દેશમાં કામગીરી શરૂ કરવા માટે સરકારની મંજૂરી મેળવવાની શરતે છે.
ડેલોઇટના જણાવ્યા અનુસાર, ભારતનું સેટેલાઇટ સેવા ક્ષેત્ર 2030 સુધીમાં વાર્ષિક 36% વધીને $1.9 બિલિયન થવાનો અંદાજ છે. સ્ટારલિંક 2022થી ભારતમાં વ્યાપારી રીતે કામ કરવા માટે લાઇસન્સ મેળવવાની રાહ જોઈ રહી છે, અને હજુ સુધી કોઈ સ્પષ્ટ સમયરેખા નક્કી કરવામાં આવી નથી. રાષ્ટ્રીય સુરક્ષા ચિંતાઓ સહિતના કારણોસર તેમાં વિલંબ થયો છે.
રિલાયન્સ જિયો ચલાવતી કંપની જિયો પ્લેટફોર્મ્સ સ્ટારલિંક ડિવાઇસ માટે ઇન્સ્ટોલેશન અને એક્ટિવેશન સપોર્ટ પણ ઓફર કરશે.રિલાયન્સે એક નિવેદનમાં જણાવ્યું હતું કે જિયો અને સ્પેસએક્સ તેમના સંબંધિત માળખાગત સુવિધાઓનો લાભ લેવા માટે સહયોગના અન્ય ક્ષેત્રોનું પણ મૂલ્યાંકન કરી રહ્યા છે, પરંતુ તેમાં કોઈ સ્પષ્ટતા કરવામાં આવી નથી.
