(ANI Photo)
જેમને શાહરુખ ખાનનો અવાજ માનવામાં આવે છે તે અભિજીત ભટ્ટાચાર્ય 1990ના દસકાના એક જાણીતા પ્લેબેક સિંગર છે. તેમણે તાજેતરમાં એક મીડિયા મુલાકાતમાં પોતાને સહન કરવા પડેલાં અપમાન અને અન્યાયની વાત કરી હતી. અભિજિતે જણાવ્યું કે તેણે શાહરુખ ખાનની ફિલ્મ ‘યસ બોસ’માં એક ગીત ગાયું હોવાથી એ વખતે સંગીતકારોએ તેમની પાસે ગીતો ગવડાવવાનું બંધ કર્યું હતું અને તેનું અપમાન પણ કર્યું હતું.
અભિજિતે કહ્યું કે તેને ‘યસ બોસ’ના ગીત માટે એવોર્ડ મળ્યો અને કેટલાંક સંગીતકારોએ ઇરાદાપૂર્વક કહ્યું કે, તેઓ મને ગાયક તરીકે સ્વીકારતા નથી અને ગાવા માટે યોગ્ય નથી માનતા. અભિજીતે એ ટીકાથી અપમાનિત થવાની સાથે તેને એક પ્રેરણા તરીકે પણ સ્વીકાર્યું હતું. અભિજિતે કહ્યું, “મારી સાથે ઘણું બન્યું છે, એવું થતું કે સંગીતકારને જેવી ખબર પડતી કે મને શાહરુખ ખાનની ફિલ્મ મળી ગઈ. એ મારાથી ગમે તેટલો નજીક હોય તો પણ એવું લાગતું હતું કે જાણે તેનો ઇરાદો જ હોય કે અભિજિત પાસે ગીત ગવડાવીશ જ નહીં.”
અભિજિતે વધુમાં કહ્યું હતું કે, “જ્યારથી મને એવોર્ડ મળ્યો અને ‘યસ બોસ’કોઈ બ્લોક બસ્ટર ફિલ્મ નહોતી, ગીત પણ બ્લોક બસ્ટર નહોતું. પરંતુ એ વખતે બધા બ્લોક બસ્ટર વચ્ચે એક નોન બ્લોક બસ્ટર ગીત હતું. બોર્ડર, પરદેશ, દિલ તો પાગલ હૈ એની વચ્ચે મને એવોર્ડ મળી ગયો. એટલે ઘણા સંગીતકારોને એવું લાગ્યું કે મને જાણી જોઈને કહેતાં કે તારી પાસે તો ગીત નહીં જ ગવડાવીએ.” 1997માં અઝિઝ મિર્ઝા દ્વારા દિગ્દર્શિત અને શાહરૂખ ખાન અને જૂહી ચાવલા અભિનિત રોમેન્ટિક કોમેડી ફિલ્મ ‘યસ બોસ’માં અભિજિતે છમાંથી ચાર ગીતોમાં સૂર આપ્યો હતો. જેમાં ‘મેં કોઈ ઐસા ગીત ગાંઉં’, ‘ચાંદ તારે’, ‘સુનિયે તો’, ‘જાતા હૈ તું કહાં’ લોકપ્રિય બન્યા હતા અને અભિજિતને ‘મેં કોઈ ઐસા ગીત ગાઉં’ માટે એવોર્ડ મળ્યો હતો.

LEAVE A REPLY