મુંબઈ આતંકવાદી હુમલાના આરોપી પાકિસ્તાની મૂળના કેનેડિયન ઉદ્યોગપતિ તહવ્વુર રાણાને ભારતમાં લાવવાનો માર્ગ મોકળો થયો છે. યુએસ કોર્ટ ઓફ અપીલ્સના ન્યાયાધીશોની પેનલે તેના ભારતમાં પ્રત્યાર્પણનો આદેશ આપ્યો હતો. રાણા હાલમાં લોસ એન્જલસની જેલમાં બંધ છે.
અગાઉ અમેરિકાની સરકારે તહવ્વુર રાણાએ ભારતમાં પ્રત્યાર્પણ સામે કરેલી અરજીને ફગાવી દેવા માટે સુપ્રીમ કોર્ટમાં રજૂઆત કરી હતી. યુએસ સોલિસિટર જનરલ એલિઝાબેથ બી પ્રીલોગરે 16 ડિસેમ્બરે સુપ્રીમ કોર્ટ સમક્ષ રજૂઆત કરી હતી કે “સર્ટિઓરીની રિટ માટેની અરજીને ફગાવી દેવી જોઈએ.રાણા આ કેસમાં ભારત પ્રત્યાર્પણમાંથી રાહત મેળવવા માટે હકદાર નથી.
તમામ નીચલી અદાલતોમાં કાનૂની લડાઈ હારી ગયા પછી તહવ્વુર રાણાએ અમેરિકાની સુપ્રીમ કોર્ટના દરવાજા ખટખટાવ્યા હતાં. લાંબી કાનૂની લડાઈમાં રાણા માટેની આ છેલ્લી કાનૂની તક હતી.
મુંબઈમાં આતંકવાદી હુમલામાં છ અમેરિકન સહિત 166 લોકોના મોત થયા હતાં અને તેને ભાગેડુ જાહેર કરાયો હતો. ભારતની રાષ્ટ્રીય તપાસ એજન્સી NIA 2008માં પાકિસ્તાન સ્થિત લશ્કર-એ-તૈયબાના આતંકવાદીઓ દ્વારા કરવામાં આવેલા 26/11ના હુમલામાં રાણાની ભૂમિકાની તપાસ કરી રહી છે. આ હુમલાઓમાં તેની ભૂમિકા માટે ભારત દ્વારા પ્રત્યાર્પણની વિનંતી પર યુએસમાં તેની ધરપકડ કરાઈ હતી.