અમેરિકામાં નવા પ્રેસિડન્ટ તરીકે વોશિંગ્ટન ડીસીમાં ટ્રમ્પના 20 જાન્યુઆરીએ શપથગ્રહણ સમારોહમાં ભારતના ઉદ્યોગપતિ મુકેશ અંબાણી અને તેના પત્ની નીતિ અંબાણીએ હાજરી આપી હતી. એક દિવસ પહેલા રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝના ચેરમેન મુકેશ અંબાણી અને રિલાયન્સ ફાઉન્ડેશનના ચેરપર્સન નીતા અંબાણી ડિનર પાર્ટીમાં ડોનાલ્ડ ટ્રમ્પને મળ્યાં હતાં અને તેમની સાથે ફોટો પડાવ્યો હતો. આ દંપતી ટ્રમ્પ પરિવારના અંગત આમંત્રિત તરીકે 20 જાન્યુઆરીના સમારંભમાં હાજરી આપશે.
ડિનર પાર્ટી દરમિયાન ક્લિક કરાયેલી તસવીરોમાં મુકેશ અંબાણી બ્લેક સૂટ પહેરેલા જોવા મળ્યાં હતાં, જ્યારે નીતા અંબાણીએ ઓવરકોટ સાથે બ્લેક સાડી પસંદ કરી હતી. રિયલ એસ્ટેટ ઉદ્યોગસાહસિક કલ્પેશ મહેતાએ ઈન્સ્ટાગ્રામ પર કપલ સાથેની તસવીરો શેર કરી હતી.
અંબાણી દંપતીને રિપબ્લિકન નેતાના શપથ ગ્રહણ સમારોહ ઉપરાંત રિસેપ્શન ડિનરમાં હાજરી આપવા માટે આમંત્રણ આપવામાં આવ્યું હતું. આ ગતિવિધિથી વાકેફ સૂત્રોએ જણાવ્યું હતું કે અંબાણી દંપતી 18 જાન્યુઆરીએ વોશિંગ્ટન પહોંચ્યા હતા. તેમણે ગઇકાલે સાંજે ‘કેન્ડલ લાઇટ ડિનર’માં હાજરી આપી હતી. આ ડિનરમાં પસંદગીની 100 હસ્તીઓ સામેલ હતી. રાત્રિભોજનમાં ભાગ લેનારા તેઓ કદાચ એકમાત્ર ભારતીય હતા. અંબાણી દંપતી વાઇસ પ્રેસિડન્ટ તરીકે ચૂંટાયેલા જેડી વાન્સ અને તેમની પત્ની ઉષા વાન્સને પણ મળ્યાં હતાં
અંબાણી સોમવારે રિપબ્લિકન મેગા-ડોનર મિરિયમ એડેલસન અને મેટાના ચીફ એક્ઝિક્યુટિવ માર્ક ઝકરબર્ગ દ્વારા આયોજિત બ્લેક ટાઈ રિસેપ્શનમાં પણ હાજરી આપશે.
અંબાણી ટ્રમ્પ પરિવાર સાથે ગાઢ સંબંધો ધરાવે છે.ડોનાલ્ડ ટ્રમ્પની પુત્રી ઇવાન્કા ટ્રમ્પે 2017માં ગ્લોબલ એન્ટરપ્રેન્યોરશિપ સમિટ માટે હૈદરાબાદની મુલાકાત લીધી ત્યારે સૌથી ધનિક ભારતીય હાજર હતાં. ફેબ્રુઆરી 2020માં ટ્રમ્પ યુએસ પ્રમુખ તરીકે છેલ્લી વખત ભારતની મુલાકાતે આવ્યા ત્યારે પણ તેઓ હાજર હતા.માર્ચ 2024માં ગુજરાતના જામનગરમાં અંબાણીના સૌથી નાના પુત્ર અનંત અને મંગેતર રાધિકા મર્ચન્ટના સ્ટાર-સ્ટડેડ ત્રણ દિવસીય પ્રી-વેડિંગ સેલિબ્રેશનમાં હાજરી આપનાર સેલિબ્રિટીઓમાં ઇવાન્કા, તેમના પતિ જેરેડ કુશનર અને તેમની મોટી પુત્રી અરાબેલા રોઝ સામેલ હતા.