ઇંગ્લેન્ડમાં ઇસ્ટ સસેક્સમાં ક્લેડ આઇબી એમપોક્ષનો એક નવો કેસ નોંધાયો છે પરંતુ વ્યાપક વસ્તી માટે તેનું જોખમ ઓછું હોવાનું યુકે હેલ્થ સિક્યુરીટી એજન્સી (UKHSA) એ સોમવારે જણાવ્યું હતું.
તાજેતરમાં યુગાન્ડાથી પરત ફરેલ અને ચેપનો ભોગ બનેલ વ્યક્તિ લંડનમાં ગાય્સ અને સેન્ટ થોમસ NHS ફાઉન્ડેશન ટ્રસ્ટ હોસ્પિટલમાં નિષ્ણાત સારવાર હેઠળ છે. યુગાન્ડામાં, હાલમાં ચેપ ફેવાઇ રહ્યો છે અને ઓક્ટોબરથી આજ સુધીમાં ઇંગ્લેન્ડમાં આવો છઠ્ઠો કેસ નોંધાયો છે.
UKHSA ના ડેપ્યુટી ડિરેક્ટર ડૉ. મીરા ચંદે જણાવ્યું હતું કે “આ છઠ્ઠા કેસ પછી પણ યુકેની વસ્તી માટે જોખમ ઓછું છે, અને અમે દર્દીના નજીકના સંપર્કોને શોધવા અને કોઈપણ સંભવિત ફેલાવાના જોખમને ઘટાડવા માટે ઝડપથી કામ કરી રહ્યા છીએ.”
તાજેતરના મહિનાઓમાં ક્લેડ આઇબી એમપોક્સ ઘણા આફ્રિકન દેશોમાં ફેલાયો છે અને ભારત, બેલ્જિયમ, કેનેડા, ફ્રાન્સ, જર્મની, સ્વીડન અને યુનાઇટેડ સ્ટેટ્સ સહિત અનેક દેશોમાં પણ કેસ મળી આવ્યા છે.
સંપર્કમાં આવેલા લોકોને અને વધુ ચેપ અટકાવવા માટે જરૂર પડે ત્યાં ટેસ્ટ અને રસી આપવામાં આવશે અને પોઝીટીવ જણાશે તેમને જરૂરી વધારાની સાર-સંભાળ અંગે સલાહ આપવામાં આવશે.
એમપોક્સના સામાન્ય લક્ષણોમાં ત્વચા પર ફોલ્લીઓ અથવા પરુ ભરેલા જખમનો સમાવેશ થાય છે, જે 2 થી 4 અઠવાડિયા સુધી ટકી શકે છે. તે તાવ, માથાનો દુખાવો, સ્નાયુઓમાં દુખાવો, પીઠના દુખાવા, ઓછી ઉર્જા અને સોજો લસિકા ગાંઠોનું કારણ પણ બની શકે છે.