લંડનમાં ભારતના હાઈ કમિશન દ્વારા આયોજિત 26/11ના મુંબઈ આતંકવાદી હુમલાની વર્ષગાંઠ નિમિત્તે તા. 26ના રોજ યોજાયેલા ભવ્ય સમારંભમાં મધ્યપ્રદેશના મુખ્ય પ્રધાન ડૉ. મોહન યાદવે ભારતીય ડાયસ્પોરાના અગ્રણી સભ્યો અને યુકેના મહાનુભાવો સાથે જોડાઇને શ્રધ્ધાંજલિ આપી હતી. આ સમારોહમાં ફોટોગ્રાફિક પ્રદર્શન પણ યોજાયું હતું.
ડૉ. મોહન યાદવે કહ્યું હતું કે “આ કમનસીબ ઘટના આપણા ઈતિહાસમાં એક દુઃખદ પ્રકરણ છે. હું આ દુર્ઘટનાથી પ્રભાવિત થયેલા આત્માઓને શ્રદ્ધાંજલિ આપવા અહીં આવ્યો છું. તેમણે ભયાનકતાનો અનુભવ કર્યો હતો, તેમજ લાખો લોકો કે જેમણે તેમની ટેલિવિઝન સ્ક્રીન પર આઘાતજનક ઘટનાઓને નિહાળી હતી.’’
શેડો ફોરેન સેક્રેટરી પ્રીતિ પટેલે જણાવ્યું હતું કે, “ભારતીય હાઈ કમિશનમાં અવિશ્વસનીય રીતે હૃદયસ્પર્શી સ્મારકમાં ભાગ લેવો એ સન્માનની વાત છે. અમે તે ભયંકર આતંકવાદી હુમલાના પીડિતોની સ્મૃતિનું સન્માન કરીએ છીએ.”
ભૂતપૂર્વ કેન્દ્રીય મંત્રી સ્મૃતિ ઈરાની અને બ્રિટિશ શીખ એસોસિએશનના અધ્યક્ષ લોર્ડ રેમી રેન્જર પણ આતંકવાદી હુમલામાં મોતને ભેટેલા 166 નિર્દોષ જીવોને શ્રદ્ધાંજલિ અર્પણ કરવા આવ્યા હતા.
વાયોલિનવાદક ડૉ. જ્યોત્સના શ્રીકાંત અને ગાયક શ્રીકાંત શર્માએ ‘વૈષ્ણવ જન તો…’ ભજન રજૂ કર્યું હતું.