ભરઉનાળે ઉત્તપ્રદેશ, બિહાર અને ઝારખંડમાં વાવાઝોડા સાથે વીજળી અને કરા પડવાથી એક દિવસમાંથી 83થી વધુ લોકોના મોત થયા હતા.
બિહારમાં વીજળી પડવા અને કરા પડવાથી થયેલા મોતનો આંકડો શુક્રવારે વધીને 61 થયો હતો. શુક્રવારે વધુ 36 લોકોના મોત થયા હતાં. ગુરુવારે કરા પડવા અને વરસાદ સંબંધિત ઘટનાઓમાં 39 લોકોના મોત થયા હતા, જ્યારે વીજળી પડવાથી 22 લોકોના મોત થયા હતાં.બુધવારે બિહારના ચાર જિલ્લાઓમાં વીજળી પડવાથી ૧૩ લોકોના મોત થયા હતા.ઝારખંડના પણ હજારીબાગ જિલ્લામાં વીજળી પડવાની અલગ અલગ ઘટનાઓમાં ચાર લોકોના મોત થયા હોવાનું શુક્રવારે એક અધિકારીએ જણાવ્યું હતું.ઉત્તર પ્રદેશના અનેક ભાગોમાં ગુરુવારે વરસાદ સાથે કરા અને વીજળી પડી હતી, જેમાં રાજ્યના 15 જિલ્લાઓમાં 22 લોકોનાં મોત થયા હતા, એમ અધિકારીઓએ જણાવ્યું હતું.
નાલંદા જિલ્લામાં સૌથી વધુ 23 લોકોના મોત થયા હતાં. બિહાર આપત્તિ વ્યવસ્થાપન વિભાગ દ્વારા શુક્રવારે જારી કરાયેલા એક નિવેદનમાં જણાવાયું છે કે, “ગુરુવારે બિહારના અનેક જિલ્લાઓમાં વીજળી પડવા, કરા પડવા અને વરસાદ સંબંધિત ઘટનાઓમાં મૃત્યુઆંક 61 પર પહોંચી ગયો છે.વીજળી પડવા અને વાવાઝોડાથી ઘરોને પણ વ્યાપક નુકસાન થયું હતું.
મુખ્યમંત્રી નીતિશ કુમારે ગુરુવારે મૃત્યુ પર શોક વ્યક્ત કર્યો હતો અને મૃતકોના પરિવારજનો માટે 4 લાખ રૂપિયાની સહાયની જાહેરાત કરી હતી. ઉત્તરપ્રદેશના રાહત કમિશનરના કાર્યાલયે એક અખબારી નિવેદનમાં જણાવ્યું હતું કે ફતેહપુર અને આઝમગઢ જિલ્લામાં વરસાદ સંબંધિત ઘટનાઓમાં ત્રણ-ત્રણ લોકોના મોત થયા હતાં.
