આ વર્ષે ચોમાસાની સમગ્ર સિઝન દરમિયાન અલ નિનોની શક્યતાને નકારી કાઢીને ભારતના હવામાન વિભાગે મંગળવાર, 15 એપ્રિલે ગુજરાત સહિત દેશભરમાં સામાન્ય કરતાં વધુ વરસાદની આગાહી કરી હતી. જૂનથી સપ્ટેમ્બર દરમિયાન ચાર મહિનાની ચોમાસાની સિઝનમાં લાંબા ગાળાની સરેરાશના આશરે 105 ટકા વરસાદની ધારણા છે.
ભારત હવામાન વિભાગ (IMD)ના વડા મૃત્યુંજય મહાપાત્રાએ એક પત્રકાર પરિષદમાં જણાવ્યું હતું કે ભારતીય ઉપખંડમાં અલ નીનો સ્થિતિ આ વખતે વિકસિત થવાની શક્યતા ઓછી છે. અલ નીનોની સ્થિતિને કારણે સામાન્ય રીતે ઓછો વરસાદ થતો હોય છે.
મધ્યપ્રદેશ, રાજસ્થાન, મહારાષ્ટ્ર, ઓડિશા, છત્તીસગઢ, ઉત્તરપ્રદેશ અને પશ્ચિમ બંગાળના મોટાભાગના વિસ્તારોમાં સામાન્ય કરતાં વધુ વરસાદની સંભાવના છે. આ વિસ્તારો કોર મોન્સૂન ઝોન ગણાય છે, કારણ કે આ વિસ્તારોમાં ખેતી મુખ્યત્વે વરસાદ આધારિત છે.
IMDએ જણાવ્યું હતું કે તમિલનાડુ અને ઉત્તરપૂર્વીય પ્રદેશના મોટા વિસ્તારોમાં સામાન્ય કરતા ઓછો વરસાદ પડવાની શક્યતા છે, જ્યારે મરાઠવાડા અને નજીકના તેલંગાણાના વરસાદની અછતવાળા વિસ્તારોમાં સામાન્ય કરતા વધુ વરસાદ પડવાની શક્યતા છે.ચોમાસાની ઋતુ દરમિયાન જમ્મુ અને કાશ્મીર, લદ્દાખ, તમિલનાડુ, બિહાર અને પૂર્વોત્તર રાજ્યોના કેટલાક ભાગોમાં સામાન્યથી ઓછો વરસાદ પડવાની શક્યતા છે.
ભારતમાં નૈઋત્યના ચોમાસનો પ્રારંભ પહેલી જૂન થાય છે અને 30 સપ્ટેમ્બરે ચોમાસું સમાપ્ત થાય છે.
ભારતના કૃષિ ક્ષેત્ર માટે ચોમાસું ખૂબ જ મહત્વપૂર્ણ છે. ભારતમાં કૃષિ ક્ષેત્ર ૪૨.૩ ટકા વસ્તીની આજીવિકાનું સાધન છે અને તે દેશના GDPમાં ૧૮.૨ ટકા ફાળો આપે છે. દેશમાં કુલ ખેતીલાયક જમીનમાંથી બાવન ટકા જમીન વરસાદ આધારિત છે. ચોમાસું દેશભરમાં વીજ ઉત્પાદન ઉપરાંત પીવાના પાણી માટે મહત્વપૂર્ણ જળાશયોને ભરવામાં પણ મહત્ત્વનો ભાગ ભજવે છે.
