ગુજરાતમાં 12 જૂનથી અટકી ગયેલું ચોમાસું 23 જૂનથી ફરી સક્રિય બન્યું હતું. તેનાથી સૌરાષ્ટ્ર, દક્ષિણ ગુજરાત, ઉત્તર ગુજરાત, અમદાવાદ સહિતના 95 તાલુકામાં મેઘમહેર થઈ હતી. હવામાન વિભાગે 24 જૂનથી 28 જૂન સુધીના પાંચ દિવસમાં કેટલાંક જિલ્લામાં ભારેથી અતિ ભારે (115.6-204.4 મીમી) વરસાદનો એલર્ટ જારી કર્યો હતો. આ સમયગાળામાં રાજ્યના બાકીના ભાગોમાં પણ હળવાથી મધ્યમ વરસાદની આગાહી છે.
હવામાન વિભાગના (IMD)એ ભારેથી અતિભારે વરસાદની સંભાવનાને કારણે વલસાડ, જામનગર, દ્વારકા અને દમણ જિલ્લા માટે રેડ એલર્ટ જારી કર્યો હતો. જૂનાગઢ, અમરેલી, ભાવનગર, ગીર સોમનાથ, દીવ, સુરત, તાપી, નવસારી અને ડાંગ માટે ઓરેન્જ એલર્ટ તથા અરવલ્લી, મહિસાગર, છોટા ઉદેપુર, ભરૂચ, નર્મદા, રાજકોટ, પોરબંદર અને બોટાદમાં 25મી જૂનની સવાર સુધી ભારે વરસાદની યલો એલર્ટ જારી કરાયો હતો.
ગાંધીનગરના સ્ટેટ ઇમરજન્સી ઓપરેશન સેન્ટરના ડેટા અનુસાર 24 જૂને નવ તાલુકાઓમાં 6 કલાકમાં એક ઇંચથી વધુ વરસાદ નોંધાયો હતો. રાજ્યના 251માંથી કુલ 95 તાલુકાઓમાં વરસાદ નોંધાયો હતો. બપોર સુધીમાં સૌથી વધુ વરસાદ સુરત અને દ્વારકા પછી જામનગર જિલ્લામાં નોંધાયો હતો. આ ત્રણ જિલ્લા ઉપરાંત છોટાઉદેપુર, વડોદરા, ભરૂચ, નર્મદા અને પંચમહાલમાં પણ એક ઈંચથી વધુ વરસાદ નોંધાયો હતો.
છોટા ઉદેપુર જિલ્લામાં ભારે પવન અને વાવાઝોડા સાથે ભારે વરસાદને કારણે વીજ પુરવઠો ખોરવાયો હતો અને વૃક્ષો પડી ગયા હતા. સંખેડાના ગોલા ગામમાં બે મોટા વૃક્ષો ધરાશાયી થતા સંખેડા જવાનો રસ્તો બંધ થઈ ગયો હતો અને બહાદરપુર અને ગોલા ગામ વચ્ચેનો માર્ગ સંપૂર્ણ બંધ થઈ ગયો હતો.
બરવાળા તાલુકાના ચોકડી ગામે વીજળી પડતાં એક યુવાનનું કરૂણ મોત નીપજ્યું હતું. જામનગરના કાલાવડ તાલુકાના મૂળીલા ગામમાં પૂલ તુટી જતાં એક સ્કૂલ બસ ફસાઈ જતાં બાળકો ફસાઈ ગયા હતા. ગામના રહેવાસીઓએ તેમને બચાવી લીધા હતાં.
અમદાવાદ એસજી હાઇવે, રાણીપ, ઘાટલોડિયા, ગોતા અને ઘુમા જેવા વિસ્તારોમાં હળવો વરસાદ શરૂ થતાં વહેલી સવારથી જ અંધકાર છવાયેલો રહ્યો હતો. સવારથી વાતાવરણમાં ધરખમ પલટો આવતાં દિવસભર ભારે વરસાદની સંભાવના ઊભી થઈ હતી.
24મી જૂને સૌરાષ્ટ્ર, ઉત્તર, મધ્ય અને દક્ષિણ ગુજરાતમાં ધોધમાર વરસાદ પડ્યો હતો. જામનગરના લાલપુરમાં બે કલાકમાં અઢી ઇંચ ખાબક્યો હતો. વડોદરા, પંચમહાલ, છોટા ઉદેપુર અને નર્મદા જિલ્લામાં સારો એવો વરસાદ પડ્યો હતો. આ ઉપરાંત અમરેલી, પોરબંદર અને રાજકોટના ગ્રામ્ય પંથકમાં વરસાદ ચાલુ થયો હતો. પોરબંદર જિલ્લાના બરડા પંથકમાં બેથી અઢી ઇંચ જેવો વરસાદ નોંધાયો હતો. રાજકોટ, ગોંડલ, જામનગર અને દેવભૂમિ દ્વારકા જિલ્લામાં વરસાદ પડ્યો હતો.છોટા ઉદેપુર જિલ્લામાં ધોધમાર વરસાદને પગલે નદીઓમાં નવા નીર આવ્યા હતાં. રાજ્યમાં ઠેર ઠેર મેઘ મહેર થવાના કારણે ખેડૂતોમાં ખુશીનો માહોલ હતો અને વાતાવરણમાં ઠંડક પ્રસરી હતી.
દરમિયાન, દક્ષિણ ગુજરાતના તાપી જિલ્લામાં રવિવારે સવારે 6.30 વાગ્યે પૂરા થતા 24 કલાકના સમયગાળામાં ભારે વરસાદ થયો હતો. આ સમયગાળા દરમિયાન દક્ષિણ ગુજરાતમાં અનેક સ્થળોએ તથા ઉત્તર ગુજરાત અને સૌરાષ્ટ્રમાં છૂટાછવાયા સ્થળોએ પણ વરસાદ પડ્યો હતો. રવિવારે જૂનાગઢ, ગીર સોમનાથ, બોટાદ, ભાવનગર અને અમરેલી જિલ્લાઓ સહિત સૌરાષ્ટ્ર વિસ્તારના વિસ્તારો અને દક્ષિણ ગુજરાતના વલસાડ, નવસારી અને સુરત જિલ્લાઓમાં હળવો વરસાદ થયો હતો.