(ANI Photo)
2003માં જસ્સી જૈસી કોઇ નહીં ટીવી સીરિયલ દ્વારા જાણીતી બનેલી જસમીત વાલિયા એટલે કે જસ્સી તેનું સાચું નામ મોના સિંઘ છે, તે હવે ગેંગસ્ટરની પડકારજનક ભૂમિકામાં જોવા મળશે. મોનાસિંઘ પાન પરદા જર્દા નામની ઓટીટી સીરિઝમાં ગેંગસ્ટરનું પાત્ર ભજવી રહી છે.
આ સીરિઝમાં મોના સિંહ સાથે તન્વી આઝમી, તાન્યા માણીક્તલા, પ્રિયાંશુ પાઇન્યુલી, સુષાંત સિંહ, રાજેશ તેલંગ, મનુ ઋષિ વગેરે કલાકારો છે. ચંદિગઢના પંજાબી પરિવારમાં જન્મેલી મોના કહે છે, કે, હું છેલ્લાં 21 વર્ષથી ફિલ્મ અને ટીવીના મનોરંજન ક્ષેત્રમાં છું. મારી અભિનય યાત્રા જસ્સી જૈસી કોઇ નહીં ટીવી સિરિયલથી શરૂ થઇ છે. હું આ યાત્રાનો ભરપૂર આનંદ લઇ રહી છું. ઘણું નવું અને ઉપયોગી શીખી પણ રહી છું. ખાસ તો ઓટીટી માધ્યમથી મારા સહિત ઘણી અભિનેત્રીઓને ઉજળી તક મળી રહી છે.
ઓટીટી પર અભિનેત્રીઓની અભિનય પ્રતિભા પૂરબહારમાં ખીલી રહી છે. તે કહે છે કે, મેં ઓટીટી પર અત્યાર સુધીમાં મેઇડ ઇન હેવન-2 અને કાલા પાની એમ બે  સીરિઝમાં નવાં  પ્રકારનાં પાત્ર ભજવ્યાં છે. હવે જોકે હું પાન પરદા જર્દા સીરિઝમાં અફીણની ગેરકાયદે હેરાફેરી કરતી ટોળકીના ગેંગસ્ટરની ભૂમિકા ભજવી રહી  છું. આમ તો મેં થ્રી ઇડિયટ્સ અને લાલસિંહ ચઢ્ઢા હિન્દી ફિલ્મમાં પણ ભૂમિકા ભજવી છે. મેં હમણાં મુંજ્યા ફિલ્મમાં પણ કામ કર્યું છે. દર્શકોને મુંજ્યા ફિલ્મ ખૂબ ગમી છે. મને આ ત્રણેય ફિલ્મમાં જુદી ભૂમિકા ભજવવાની તક મળી છે.
ઓટીટી પ્લેટફોર્મને કારણે મારા સહિત ઘણી અભિનેત્રીઓની પ્રતિભાનું સન્માન થયું છે અને વધ્યું પણ છે. હજી હમણાં  સુધી હિન્દી ફિલ્મોમાં અને ટીવી સિરિયલોમાં અભિનેત્રીઓ માટે લગભગ એક જ સરખા પ્રકારની ભૂમિકા ભજવવાની રહેતી હતી. હા, કેટલીક હિન્દી ફિલ્મોમાં અને ટીવી સીરિયલોમાં નારી શક્તિની જરૂર વંદના થઇ છે. અભિનેત્રી કેન્દ્રમાં રહી છે. જોકે આવી ફિલ્મો અને સીરિયલોની સંખ્યા બહુ થોડી છે.
હવે ઓટીટીની લોકપ્રિયતા વધી રહી છે ત્યારે નવી અને જૂની એમ બંને પેઢીની અભિનેત્રીઓને વધુ ને વધુ ઉજળી તક મળી રહી છે. શરૂઆતના તબક્કે ઝલક દિખલા જા સહિત અન્ય ટીવી શોમાં પણ ભાગ લઇ ચૂકેલી મોના સિંઘ બહુ મહત્વનો મુદ્દો રજૂ કરતાં કહે છે, હવે તો ઓટીટી પરની ફિલ્મ અને સીરિઝનું કથાવસ્તુ પણ બહુ વિશિષ્ટ અને પ્રયોગશીલ બની રહ્યું છે.

LEAVE A REPLY