(PTI Photo)

બાંગ્લાદેશની વચગાળાની સરકારના વડા મુહમ્મદ યુનુસે શુક્રવારે વડા પ્રધાન નરેન્દ્ર મોદીને ફોન કરીને તેમના દેશમાં હિંદુઓ અને અન્ય તમામ લઘુમતીઓની સલામતી અને સુરક્ષાની ખાતરી આપી હતી. શેખ હસીનાની આગેવાની હેઠળની સરકારના પતન બાદ જવાબદારી સંભાળ્યા બાદ મોદી અને યુનુસ વચ્ચે આ પ્રથમ સીધી વાતચીત હતી.

મોદીએ X પર એક પોસ્ટમાં કહ્યું હતું કે પ્રોફેસર મુહમ્મદ યુનુસે  ફોનકોલ કર્યો હતો. હાલની સ્થિતિ પર મંતવ્યોનું આદાન-પ્રદાન કર્યું હતું. લોકશાહી, સ્થિર, શાંતિપૂર્ણ અને પ્રગતિશીલ બાંગ્લાદેશ માટે ભારતના સમર્થનનો પુનરોચ્ચાર કર્યો હતો. તેમણે બાંગ્લાદેશમાં હિન્દુઓ અને તમામ લઘુમતીઓની સલામતી અને સુરક્ષાની ખાતરી આપી હતી. વડા પ્રધાન મોદીએ ગુરુવારે તેમના સ્વતંત્રતા દિવસના સંબોધનમાં બાંગ્લાદેશમાં હિન્દુઓ અને અન્ય લઘુમતીઓની સુરક્ષા અંગે ચિંતા વ્યક્ત કરી હતી.

યુનુસે ચાલુ કરેલા આ સંવાદમાં મોદીએ લોકતાંત્રિક, સ્થિર, શાંતિપૂર્ણ અને પ્રગતિશીલ બાંગ્લાદેશ માટે ભારતના સમર્થનની પુનઃપુષ્ટિ કરી હતી અને હિંસાગ્રસ્ત દેશમાં હિંદુઓ અને અન્ય લઘુમતી સમુદાયોની સુરક્ષા સુનિશ્ચિત કરવાના મહત્વ પર ભાર મૂક્યો હતો.

મોદીએ સ્વતંત્રતા દિવસના ભાષણમાં કહ્યું હતું કે 140 કરોડ ભારતીયો પાડોશી દેશમાં હિન્દુઓ અને લઘુમતીઓની સુરક્ષાને લઈને ચિંતિત છે. મોદીની આ ચિંતાના બીજા દિવસે યુનુસે આ આશ્વાસન આપ્યું હતું.

એક નિવેદનમાં વિદેશ મંત્રાલય (MEA)એ કહ્યું હતું કે બંને નેતાઓએ સંબંધિત રાષ્ટ્રીય પ્રાથમિકતાઓ અનુસાર દ્વિપક્ષીય સંબંધોને આગળ લઈ જવાના માર્ગો પર પણ ચર્ચાવિચારણા કરી હતી. વડાપ્રધાને બાંગ્લાદેશમાં હિંદુઓ અને અન્ય તમામ લઘુમતી સમુદાયોની સુરક્ષા સુનિશ્ચિત કરવાના મહત્વ પર પણ ભાર મૂક્યો હતો. આના બદલામાં પ્રો. યુનુસે ખાતરી આપી હતી કે વચગાળાની સરકાર બાંગ્લાદેશમાં હિંદુઓ અને તમામ લઘુમતી જૂથોની સલામતી અને સુરક્ષાને પ્રાથમિકતા આપશે.

 

LEAVE A REPLY