(PTI Photo)

કઝાકિસ્તાનની રાજસ્થાનમાં અસ્તાનામાં યોજાયેલી શાંઘાઈ કો-ઓપરેશન ઓર્ગેનાઈઝેશન (SCO) સમીટને  તેના એક મૂળ ઉદેશની યાદ અપાવતા વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ગુરુવારે જણાવ્યું હતું કે આ સંગઠને સીમા પારના આતંકવાદ વિરુદ્ધ નિર્ણાયક પ્રતિસાદ આપવાની જરૂર છે.

આ ગ્રુપે આતંકવાદનો સામનો કરવાની અને પ્રાદેશિક અખંડિતતાને સન્માન આપવાની બાબતને પ્રાધાન્ય આપવું જોઇએ. આ સમીટમાં ભારતમાં ત્રાસવાદ ફેલાવતા પાકિસ્તાનના વડાપ્રધાન શાહબાઝ શરીફ અને ચીનના પ્રમુખ શી જિનપિંગ પણ સામેલ હતાં. મોદીએ  આ આર્ગેનાઇઝેશનના નવા સભ્યો ઈરાન અને બેલારુસને અભિનંદન આપ્યાં હતા.

એસસીઓ કાઉન્સિલના વડાઓની 24મી બેઠકમાં વિદેશ પ્રધાન એસ. જયશંકરે મોદીનો આ આકરો સંદેશ આપ્યો હતો. મોદીનો સંદેશ આપતા તેમણે જણાવ્યું હતું કે આપણામાં ઘણાને ત્રાસવાદના અનુભવો થયા છે, જે ઘણી વખત આપણી સરહદોની બહાર ઉદભવે છે. આપણે સ્પષ્ટ કરવું જોઇએ કે જો ત્રાસવાદ સામે અંકુશ મૂકવામાં નહીં આવે તો તે પ્રાદેશિક અને વૈશ્વિક શાંતિ માટે મોટો ખતરો બની શકે છે. આતંકવાદ કોઈપણ સ્વરૂપ વાજબી નથી કે તેને માફ કરી શકાય નહીં. આંતરરાષ્ટ્રીય સમુદાયે આતંકવાદીઓને  સુરક્ષિત આશ્રયસ્થાનો આપતા અને આતંકવાદને પ્રોત્સાહન આપતા દેશોને એકલા પાડવા જોઇએ અને ખુલ્લા પાડવા જોઈએ. સીમા પારના આતંકવાદ સામે નિર્ણાયક પ્રતિભાવની જરૂર છે તથા ટેરર ફાઇનાન્સ અને ભરતીનો નિશ્ચિતપણે સામનો કરવો જોઈએ.

વડાપ્રધાન મોદીએ ગયા વર્ષે ભારતના SCO પ્રેસિડેન્સી દરમિયાન જારી કરાયેલા સંયુક્ત નિવેદનમાં સભ્ય દેશો દ્વારા સંમત થયેલી સહિયારી પ્રતિબદ્ધતાને હાઇલાઇટ કરીને જણાવ્યું હતું કે  યુવાનોમાં કટ્ટરપંથના ફેલાવાને રોકવા માટે સક્રિય પગલાં લેવાની જરૂર છે.

 

LEAVE A REPLY