વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ સોમવારે નવી દિલ્હીમાં હૈદરાબાદ હાઉસ ખાતે અબુ ધાબીના ક્રાઉન પ્રિન્સ શેખ ખાલેદ બિન મોહમ્મદ બિન ઝાયેદ અલ નાહયાન સાથે મુલાકાત કરી હતી. (ANI Photo/Rahul Singh)

ભારતની મુલાકાતે આવેલા અબુ ધાબીના ક્રાઉન પ્રિન્સ શેખ ખાલેદ બિન મોહમ્મદ બિન ઝાયેદ અલ નાહયાન અને વડાપ્રધાન નરેન્દ્ર મોદી વચ્ચે નવી દિલ્હીમાં સોમવારે વ્યાપક વાટાઘાટો પછી ભારત અને સંયુક્ત આરબ અમીરાત વચ્ચે ઊર્જા ક્ષેત્રમાં સહયોગમાં વધારો કરવા માટે પાંચ કરાર પર હસ્તાક્ષર કરાયાં હતાં. બંને નેતાઓ તેમની બેઠક દરમિયાન વ્યૂહાત્મક સંબંધોને વધારવા પર ધ્યાન કેન્દ્રિત કર્યું હતું. તેમની વાતચીતમાં મોદી અને અલ નાહ્યાને ગાઝાની સ્થિતિ સહિત વૈશ્વિક પડકારોની પણ ચર્ચાવિચારણા કરી હોવાનું માનવામાં આવે છે.

એક કરાર અબુ ધાબી નેશનલ ઓઈલ કંપની (ADNOC) અને ઈન્ડિયન ઓઈલ કોર્પોરેશન લિમિટેડ વચ્ચે લાંબા ગાળાના LNG સપ્લાય માટેનો છે, જ્યારે બીજો કરાર ADNOC અને ઈન્ડિયા સ્ટ્રેટેજિક પેટ્રોલિયમ રિઝર્વ લિમિટેડ (ISPRL) વચ્ચેનો છે.

વિદેશ મંત્રાલય (MEA)ના જણાવ્યા અનુસાર અમીરાત ન્યુક્લિયર એનર્જી કંપની (ENEC) અને ન્યુક્લિયર પાવર કોર્પોરેશન ઓફ ઈન્ડિયા લિમિટેડ (NPCIL)એ પણ બરકાહ ન્યુક્લિયર પાવર પ્લાન્ટના સંચાલન અને જાળવણી માટે એક એમઓયુ પર હસ્તાક્ષર કર્યા છે.

ભારતમાં ફૂડ પાર્ક સ્થાપવા અંગે ગુજરાત સરકાર અને અબુ ધાબી ડેવલપમેન્ટલ હોલ્ડિંગ કંપની PJSC વચ્ચે એક અલગ કરાર પર હસ્તાક્ષર કરાયાં હતાં.

વિદેશ મંત્રાલયના પ્રવક્તા રણધીર જયસ્વાલે જણાવ્યું હતું કે PM મોદી અને ક્રાઉન પ્રિન્સ અલ નાહ્યાને વ્યાપક વ્યૂહાત્મક ભાગીદારીને વિસ્તૃત કરવાના ઉદ્દેશ્ય સાથે ભારત અને UAE વચ્ચેના બહુપક્ષીય સંબંધો પર ચર્ચાવિચારણા કરી હતી.

મોદી સાથે વાતચીત કર્યા પછી મુલાકાતી નેતાએ મહાત્મા ગાંધીના સ્મારક રાજઘાટ પર મહાત્મા ગાંધીને શ્રદ્ધાંજલિ આપી હતી.

છેલ્લા કેટલાક વર્ષોમાં ભારત-UAE સંબંધોમાં મોટો ઉછાળો જોવા મળ્યો છે. ઓગસ્ટ 2015માં મોદીની UAEની સીમાચિહ્નરૂપ મુલાકાત બાદ, બંને દેશો વચ્ચેના દ્વિપક્ષીય સંબંધો વ્યાપક વ્યૂહાત્મક ભાગીદારીમાં ઉન્નત થયા છે. બંને દેશોએ ફેબ્રુઆરી 2022માં વ્યાપક આર્થિક ભાગીદારી કરાર (CEPA) અને જુલાઈ 2023માં સ્થાનિક ચલણ સેટલમેન્ટ (LCS) સિસ્ટમ પર હસ્તાક્ષર કર્યા હતા જેથી ક્રોસ બોર્ડર વ્યવહારો માટે ભારતીય રૂપિયા અને AED (સંયુક્ત આરબ અમીરાત દિરહામ)ના ઉપયોગને પ્રોત્સાહન મળે.

સત્તાવાર ડેટા અનુસાર, 2022-23માં લગભગ USD 85 બિલિયનના દ્વિપક્ષીય વેપાર સાથે બંને દેશો એકબીજાના મોટા વેપાર ભાગીદારો દેશો છે.

 

LEAVE A REPLY