વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ત્રણ દિવસની યુએસ યાત્રા દરમિયાન રવિવારે લોટે ન્યૂયોર્ક પેલેસ હોટેલ ખાતે અમેરિકાની દિગ્ગજ કંપનીઓના 15 સીઇઓ સાથે રાઉન્ડટેબલ બેઠક કરી હતી. આ બેઠકમાં એઆઇ, ક્વોન્ટમ, કમ્પ્યૂટિંગ અને સેમિકન્ડક્ટર સહિતની ટેકનોલોજી કંપનીઓના સીઇઓએ ભાગ લીધો હતો.
મેસેચ્યુસેટ્સ ઇન્સ્ટિટ્યૂટ ઑફ ટેક્નોલોજી (MIT) સ્કૂલ ઑફ એન્જિનિયરિંગ દ્વારા આયોજિત બેઠકમાં ગૂગલના CEO પિચાઈ, એડોબના CEO શાંતનુ નારાયણ, એસેન્ચરના CEO જુલી સ્વીટ અને NVIDIAના CEO જેન્સન હુઆંગ ભાગ લીધો હતો. કોન્ફરન્સમાં હાજરી આપનારા અન્ય અગ્રણીમાં બાયોજેનના CEO ક્રિસ વિહબેચર, બ્રિસ્ટોલ માયર્સ સ્ક્વિબના CEO ક્રિસ બોર્નર, એલી લિલી એન્ડ કંપનીના CEO ડેવિડ એ. રિક્સ, LAM રિસર્ચના CEO ટિમ આર્ચર, ગ્લોબલફાઉન્ડ્રીઝના CEO થોમસ કૌલફિલ્ડ સામેલ હતા.
મોદીએ એક્સ પર જણાવ્યું હતું કે “ન્યુ યોર્કમાં ટેક સીઈઓ સાથે ફળદાયી રાઉન્ડ ટેબલ બેઠક યોજાઈ હતી, જેમાં ટેક્નોલોજી, ઇનોવેશનને લગતા પાસાઓ પર ચર્ચા કરી હતી. આ ક્ષેત્રમાં ભારતે કરેલી પ્રગતિને પણ પ્રકાશિત કરી હતી. ભારત પ્રત્યે અપાર આશાવાદ જોઈને મને આનંદ થાય છે.”
કોન્ફરન્સ દરમિયાન મોદીએ જણાવ્યું હતું કે ટેક્નોલોજી સહયોગ અને ઇનિશિએટિવ ઓન ક્રિટીકલ એન્ડ ઇમર્જિંગ ટેક્નોલોજી (ICET) જેવા પ્રયાસો ભારત-યુએસ કોમ્પ્રિહેન્સિવ ગ્લોબલ સ્ટ્રેટેજિક પાર્ટનરશિપના મૂળમાં છે. વડા પ્રધાને ભારપૂર્વક જણાવ્યું હતું કે તેમના ત્રીજા કાર્યકાળમાં ભારત વિશ્વની ત્રીજી સૌથી મોટી અર્થવ્યવસ્થા બનવા માટે તમામ પ્રયત્નો કરશે. કંપનીઓને સહયોગ અને નવીનતા માટે ભારતની વૃદ્ધિગાથનો લાભ લેવો જોઇએ. આ કંપનીઓ માટે વિશ્વ માટે ભારતમાં કો-ડેવલપ, કો-ડિઝાઇન અને કો-પ્રોડ્યુસ કરી શકે.મોદીએ ભારપૂર્વક જણાવ્યું હતું કે તેમની સરકાર ભારતને “સેમિકન્ડક્ટર મેન્યુફેક્ચરિંગનું વૈશ્વિક હબ” બનાવવા માટે પ્રતિબદ્ધ છે.