વડાપ્રધાન નરેન્દ્ર મોદી 7 ડિસેમ્બરે અમદાવાદમાં યોજાનાર BAPS સ્વામિનારાયણ સંપ્રદાયના ‘કાર્યકાર સુવર્ણ મહોત્સવ’માં આશરે એક લાખ સક્રિય કાર્યકરોને વર્ચ્યુઅલી સંબોધિત કરશે.
BAPS સ્વામિનારાયણ સંસ્થાના પૂજ્ય બ્રહ્મવિહારી સ્વામીએ જણાવ્યું હતું કે વિશ્વભરમાં ‘કાર્યકારો’ની ટીમની રચનાના 50 વર્ષ નિમિત્તે 7 ડિસેમ્બરે અમદાવાદના મોટેરા વિસ્તારમાં નરેન્દ્ર મોદી સ્ટેડિયમ ખાતે ‘કાર્યકાર સુવર્ણ મહોત્સવ’ યોજાશે. PM મોદી વર્ચ્યુઅલ રીતે આ પ્રસંગમાં મહેમાન બનશે અને 7 ડિસેમ્બરે મહોત્સવમાં સંબોધન કરશે. કેન્દ્રીય ગૃહ પ્રધાન અમિત શાહ વ્યક્તિગત રીતે આ કાર્યક્રમમાં હાજર રહેશે તથા લગભગ એક લાખ કાર્યકર્તાઓ અને અન્ય આમંત્રિત મહેમાનો તેમજ સંપ્રદાયના ધાર્મિક નેતાઓને પણ સંબોધિત કરશે.
પૂજ્ય સ્વામીએ જણાવ્યું હતું કે 1972માં સંપ્રદાયના પૂજ્ય પ્રમુખ સ્વામી મહારાજે સક્રિય સ્વયંસેવકોનું માળખું બનાવવાનો વિચાર આપ્યો હતો, જેને ‘કાર્યકાર’ તરીકે ઓળખવામાં આવે છે. તેનો પ્રારંભ 11 કાર્યકર્તાઓ સાથે થયો હતો, જેમાં આઠ ભારતના તથા યુએસ, યુકે અને આફ્રિકન ખંડમાંથી એક-એક હતાં. આજે અમારી પાસે લગભગ એક લાખ કાર્યકર્તાઓ છે અને આ મહોત્સવ આ સક્રિય સ્વયંસેવકોને તેમની સેવાઓ માટે સન્માનિત કરવા માટે છે. આ મહોત્સવ કૃતજ્ઞતાનો મેળાવડો છે, શક્તિનો પ્રદર્શન નથી. 7 ડિસેમ્બરના રોજ મહોત્સવનો પ્રારંભ સાંજે 5 વાગ્યે થશે અને લગભગ 8.30 વાગ્યે સમાપ્ત થશે.
યુરોપ, ઉત્તર અમેરિકા, મધ્ય પૂર્વ અને આફ્રિકા સહિત લગભગ 30 દેશોના ‘કાર્યકારો’ને પણ મહોત્સવ માટે આમંત્રિત કરવામાં આવ્યા છે. આ મહોત્સવમાં લાઇવ પર્ફોર્મન્સ અને અદ્યતન વિઝ્યુઅલ ઇફેક્ટ્સ હશે. તેમાં વિડિયો ક્લિપ્સ અને વિશાળ સ્ક્રીન્સ પર કાર્યકર્તાઓના યોગદાનને પ્રદર્શિત કરતી ડોક્યુમેન્ટરી દર્શાવાશે.