
11 વર્ષ પહેલા દેશના વડાપ્રધાન બન્યા પછી વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ નાગપુરમાં પ્રથમ વખત રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ (RSS)ના મુખ્યાલયની મુલાકાત લીધી હતી અને જણાવ્યું હતું કે સંઘ ભારતની અમર સંસ્કૃતિ અને આધુનિકરણનું વટવૃક્ષ છે. રાષ્ટ્રીય ચેતનાના રક્ષણ અને પ્રોત્સાહન માટે ૧૦૦ વર્ષ પહેલાં વાવેલા વિચારનું બીજ હવે એક વિશાળ વૃક્ષ બન્યું છે. સિદ્ધાંતો અને મૂલ્યો આ વૃક્ષને નવી ઊંચાઈ આપે છે. લાખો સ્વંયસેવકો તેની શાખાઓ છે. આ કોઈ સામાન્ય વૃક્ષ નથી, આ આરએસએસ છે.
નાગપુરમાં આરએસએસ મુખ્યાલયની મુલાકાત લેનારા મોદી દેશના બીજા વડા પ્રધાન બન્યાં હતાં. અટલ બિહારી વાજપેયીએ ૨૦૦૦માં તેમના ત્રીજા કાર્યકાળ દરમિયાન વડા પ્રધાન તરીકેની સંઘ હેડક્વાર્ટરની મુલાકાત લીધી હતી. વડાપ્રધાન તરીકે મોદીનો પણ આ ત્રીજો કાર્યકાળ પણ છે.
મોદીની મુલાકાત દરમિયાન આરએસએસના વડા ભાગવત, મહારાષ્ટ્રના મુખ્યપ્રધાન દેવેન્દ્ર ફડણવીસ અને કેન્દ્રીય પ્રધાન નીતિન ગડકરી હાજર હતા.
મોદીએ RSS મુખ્યાલય ખાતે ડૉ. હેડગેવાર સ્મૃતિ મંદિરની મુલાકાત લીધી હતી અને સંઘના સ્થાપકોને શ્રદ્ધાંજલિ આપી હતી.
મોદીએ માધવ નેત્રાલય પ્રીમિયમ સેન્ટરનો શિલાન્યાસ કર્યો હતો. આ સેન્ટર માધવ નેત્રાલય આઇ ઇન્સ્ટિટ્યૂટ એન્ડ રિસર્ચ સેન્ટરનું નવું વિસ્તરણ ભવન છે, જેનું નામ આરએસએસના સ્વર્ગસ્થ વડા માધવરાવ ગોલવલકરના નામ પરથી રાખવામાં આવ્યું છે.
વડાપ્રધાને જણાવ્યું હતું કે RSSના દાયકાઓના પ્રયાસ અને સમર્પણથી મીઠા ફળ મળી રહ્યાં છે, જે ભારતના વિકાસમાં એક નવો અધ્યાય લખી રહ્યા છે. 1925થી થી 1947 સુધીનો સમયગાળો કટોકટીનો સમય હતો કારણ કે દેશ સ્વતંત્રતા માટે લડી રહ્યો હતો અને હવે ૧૦૦ વર્ષ પછી આરએસએસ બીજા એક સીમાચિહ્નરૂપ પગલા પર આગળ વધી રહ્યું છે. આ સમયગાળો મહત્વપૂર્ણ છે કારણ કે આપણી સામે મોટા લક્ષ્યો છે. આપણે આગામી 1,000 વર્ષના મજબૂત અને વિકસિત ભારતનો પાયો નાખવાનો છે. આ વર્ષે રાષ્ટ્ર બંધારણના 75 વર્ષ ઉજવી રહ્યું છે અને RSS તેની સ્થાપનના 100 વર્ષ પૂર્ણ કરી રહ્યું છે.
