વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ મુખ્ય ન્યાયાધીશ ડીવાય ચંદ્રચુડ અને અન્ય મહાનુભાવો સાથે શનિવારે નવી દિલ્હીમાં ભારત મંડપમ ખાતે, ભારતની સર્વોચ્ચ અદાલતની સ્થાપનાના 75 વર્ષની સ્મૃતિમાં સ્ટેમ્પનું અનાવરણ કર્યું. (ANI Photo)

કોલકાતાના મહિલા ડૉક્ટર પર બળાત્કાર અને હત્યા તથા મહારાષ્ટ્રના થાણેમાં બે બાળકી પરના જાતીય હુમલો વચ્ચે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ શનિવારે મહિલાઓ સામેના ગુના સાથે સંકળાયેલા કેસોમાં ઝડપી ન્યાયની જરૂરિયાત પર ભાર મૂકીને જણાવ્યું હતું કે ઝડપી ન્યાયથી મહિલાઓને તેમની સુરક્ષાની વધુ ખાતરી આપશે. ન્યાયતંત્રને બંધારણનું રક્ષક માનવામાં આવે છે અને સુપ્રીમ કોર્ટ અને ન્યાયતંત્રે તેની જવાબદારી નિભાવી છે.

ભારતના મુખ્ય ન્યાયાધીશ ડી વાય ચંદ્રચુડની હાજરીમાં જિલ્લા ન્યાયતંત્રની રાષ્ટ્રીય પરિષદના પ્રથમ સત્રને સંબોધતા મોદીએ મહિલાઓ સામે અત્યાચાર અને બાળકોની સુરક્ષાના સળગતા મુદ્દાનો ઉલ્લેખ કરી તેને ગંભીર ચિંતાનો વિષય ગણાવ્યો હતો. સુપ્રીમ કોર્ટ દ્વારા તેની સ્થાપનાના 75 વર્ષ નિમિત્તે કોન્ફરન્સનું આયોજન કરાયું હતું. મોદીએ સુપ્રીમ કોર્ટની સ્થાપનાના 75 વર્ષ પૂરા થયાની સ્મૃતિમાં સ્ટેમ્પ અને સિક્કાનું પણ અનાવરણ કર્યું હતું.

2019માં શરૂ કરાયેલ ફાસ્ટ ટ્રેક વિશેષ અદાલત યોજનાનો ઉલ્લેખ કરીને મોદીએ જણાવ્યું હતું કે મહિલાની સુરક્ષા માટેના કાયદામાં કડક જોગવાઈઓ કરાઈ છે. મહિલાઓ સામેના અત્યાચારના કેસોમાં જેટલો ઝડપથી ચુકાદો આવશે, તેટલા પ્રમાણમાં વધુ મહિલાઓને પોતાની સલામતી ખાતરી થશે. જિલ્લા ન્યાયાધીશ, જિલ્લા મેજિસ્ટ્રેટ અને પોલીસ અધિક્ષકનો સમાવેશ કરતી જિલ્લા દેખરેખ સમિતિઓ મુખ્ય ભૂમિકા ભજવી શકે છે. આ સમિતિઓની વધુ સક્રિય બનાવવાની જરૂર છે.

કટોકટીના અંધકારપૂર્ણ સમયગાળો ગણાવીને વડાપ્રધાને જણાવ્યું હતું કે ઇમર્જન્સી દરમિયાન ન્યાયતંત્રે મૂળભૂત અધિકારોને જાળવીમાં મુખ્ય ભૂમિકા ભજવી હતી. રાષ્ટ્રીય સુરક્ષાની બાબતો પર પણ ન્યાયતંત્રએ રાષ્ટ્રીય હિતોને સર્વોપરી રાખી રાષ્ટ્રીય અખંડિતતાનું રક્ષણ કર્યું છે.

 

LEAVE A REPLY