વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને તેમના સ્પેનિશ સમકક્ષ પેડ્રો સાંચેઝ 28 ઓક્ટોબરે વડોદરામાં ટાટા એડવાન્સ્ડ સિસ્ટમ્સ લિમિટેડ (TASL)-એરબસ ફેક્ટરીનું ઉદ્ઘાટન કરશે અને વડોદરામાં દ્વિપક્ષીય બેઠક પણ યોજશે.
ગુજરાત સરકારના એક નિવેદનમાં જણાવાયું હતું કે ટ્રાન્સપોર્ટ એરક્રાફ્ટ C-295 ઉત્પાદન ફેક્ટરીનો શિલાન્યાસ ઓક્ટોબર 2022માં મોદીએ કર્યો હતો અને આગામી સોમવારે બંને નેતાઓ પ્લાન્ટનું ઉદ્ઘાટન કરશે. મોદી અને સાંચેઝ સાથે મળીને વડોદરામાં મહત્વાકાંક્ષી એરબસ પ્રોજેક્ટ લોન્ચ કરશે. આ ‘મેક ઇન ઇન્ડિયા’ પહેલનો હેતુ સ્વદેશી એરક્રાફ્ટ ઉત્પાદનને પ્રોત્સાહન આપવાનો છે. વડાપ્રધાને બરાબર બે વર્ષ પહેલાં 30 ઓક્ટોબર, 2022ના રોજ આ પ્રોજેક્ટનો વડોદરામાં શિલાન્યાસ કર્યો હતો. ટાટા-એરબસ પ્રોજેક્ટ ભારતીય વાયુસેના માટે ટ્રાન્સપોર્ટ એરક્રાફ્ટનું ઉત્પાદન કરશે
બંને વડા પ્રધાનો વચ્ચે એક મહત્વપૂર્ણ દ્વિપક્ષીય બેઠક પણ વડોદરામાં થશે. સરકારી જાહેરનામામાં કહેવામાં આવ્યું હતું કે વડોદરા મહાનગરપાલિકા બંને નેતાઓની મુલાકાત માટે વ્યાપક તૈયારીઓ કરી રહી છે.
સપ્ટેમ્બર 2021માં, ભારતે ઇન્ડિયન એરફોર્સ માટે 56 C-295 ટ્રાન્સપોર્ટ એરક્રાફ્ટ ખરીદવા માટે એરબસ ડિફેન્સ એન્ડ સ્પેસ સાથે લગભગ રૂ.21,000 કરોડનો સોદો કર્યો હતો. આ સોદાના ભાગરૂપે ભારતમાં ખાનગી કંપની દ્વારા પ્રથમ વખત મિલિટરી એરફ્રાક્ટનું ઉત્પાદન થશે. આ કરાર હેઠળ, એરબસ ચાર વર્ષમાં સેવિલે, સ્પેનમાં તેની એસેમ્બલી લાઇનથી ‘ફ્લાય-અવે’ સ્થિતિમાં પ્રથમ 16 એરક્રાફ્ટની ડિલિવરી આપશે. 40 એરક્રાફ્ટનું ઉત્પાદન અને એસેમ્બલ ટાટા એડવાન્સ સિસ્ટમ્સ (TASL) દ્વારા ભારતમાં કરવામાં આવશે.