વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને તેમના સ્પેનિશ સમકક્ષ પેડ્રો સાંચેઝે સોમવાર, 28 ઓક્ટોબરની સવારે ગુજરાતના વડોદરા શહેરમાં રોડ શો યોજ્યો હતો. બંને નેતાઓ ખુલ્લી જીપમાં મુસાફરી કરી હતી અને રૂટની બંને બાજુએ ઉભેલા લોકોનું અભિવાદન કર્યું હતું.
બંને વડાપ્રધાનોએ એરપોર્ટથી શહેરના ટાટા એરક્રાફ્ટ કોમ્પ્લેક્સ સુધીના 2.5 કિલોમીટરના માર્ગ પર એકત્ર થયેલી ભીડનું અભિવાદન કર્યું હતું. આ પ્રસંગે વિવિધ કલાકારોએ ભારતની સમૃદ્ધ સંસ્કૃતિનું પ્રદર્શન કરતા કાર્યક્રમો રજૂ કર્યા હતાં. વડોદરાવાસીઓ દ્વારા બંને મહાનુભાવોને અદમ્ય ઉત્સાહ સાથે આવકારવામાં આવ્યા. વડાપ્રધાન નરેન્દ્ર મોદી લોકોનું અભિવાદન ઝીલતા જોવા મળ્યા હતા. રોડ શોની આસપાસ ભારતીય સંસ્કૃતિની ઝાંખી જોવા મળી હતી. રોડ શોને લઇને એરપોર્ટ સર્કલથી છેક ટાટા ફેક્ટરી સુધી માર્ગમાં એક તરફ શહેરીજનો સ્વયંભૂ ગોઠવાઇ ગયા હતા. કેટલીક સંસ્થાઓ દ્વારા ત્રણ હજાર જેટલા સી-295 વિમાનના બેનર આપવામાં આવ્યા હતા. આ બેનર સાથે નિવૃત્ત સેના જવાનો, યુવાનો, યુવતીઓ, બાળકો હાથમાં લઈ લહેરાવી રહ્યા હતાં.
વડોદરામાં જ્યારે રોડ શો આગળ વધી રહ્યો હતો ત્યારે વડાપ્રધાનની નજર રસ્તાના કિનારે ઉભેલી એક વિકલાંગ વિદ્યાર્થીની પર પડે છે. જે વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને સ્પેનના વડાપ્રધાન પેડ્રો સાંચેઝેની તેમના હાથથી બનાવેલી તસવીર લઈને રોડ શોમાં પહોંચી હતી. તે જોઇને વડાપ્રધાન નરેન્દ્ર મોદી તેમના સુરક્ષાકર્મીઓને આ પેઇન્ટિંગ લાવવા કહે છે અને પેઇન્ટિંગ જોઈને મોદી અને પેડ્રો સાંચે ખૂબ જ ખુશ થયા હતા. વિદ્યાર્થીની પેઈન્ટિંગ જોઈને બંને નેતાઓ એટલા ખુશ થઈ ગયા કે તેઓ પોતે જ રોડ શોને અધવચ્ચે રોકીને તેઓ વિદ્યાર્થીનીને મળવા પહોંચી જાય છે.
આ પછી બંને નેતાઓએ ટાટા એડવાન્સ સિસ્ટમ્સ ફેકટરીનું ઉદ્ઘાટન કર્યું હતું અને ઐતિહાસિક લક્ષ્મી વિલાસ પેલેસમાં ખાતે દ્વિપક્ષીય બેઠક યોજી હતી.