અમેરિકાના પ્રેસિડન્ટ ડોનાલ્ડ ટ્રમ્પ ભારત સહિતના દેશો પર વળતી ટેરિફ લાદવાની ધમકીઓ આપી રહ્યાં છે ત્યારે કોંગ્રેસે વડાપ્રધાન નરેન્દ્ર મોદી પર પ્રહાર કરતાં જણાવ્યું હતું કે વડાપ્રધાન મોદીએ તેમના ‘સારા મિત્ર’ને હિંમત કરીને યાદ અપાવવું જોઇએ કે WTOમાં Tનો અર્થ ટ્રમ્પ નહીં પણ ટ્રેડ છે.
કોંગ્રેસના જનરલ સેક્રેટરી ઈન્ચાર્જ કોમ્યુનિકેશન્સ જયરામ રમેશે જણાવ્યું હતું કે પારસ્પરિક ટેરિફ આંતરરાષ્ટ્રીય વેપારના તમામ સ્વીકૃત સિદ્ધાંતોની સંપૂર્ણ વિરુદ્ધ છે. મોદીએ તેમના સારા મિત્રને હિંમત કરીને યાદ અપાવવું જોઇએ કે WTOમાં Tનો અર્થ ટ્રમ્પ નહીં, પરંતુ ટ્રેડ છે.
કોંગ્રેસના મીડિયા અને પ્રચાર વિભાગના વડા પવન ખેરાએ પણ એક્સ પર એક પોસ્ટમાં અમેરિકાની સૂચિત ટેરિફ અંગે મોદી સરકારને પાંચ સવાલ કર્યા હતાં. તેમણે જણાવ્યું હતું કે યુએસથી આયાતમાં સંભવિત વધારાના કિસ્સામાં સરકાર ઘરેલું ખેડૂતોના હિતોના રક્ષણની શું યોજના ધરાવે છે. શું સરકાર હવે ભારતીય ખેડૂતોને મૂળભૂત આવક સહાય પૂરી પાડવા માટે સ્થાનિક નીતિમાં ફેરફાર કરીને ખાસ કરીને MSPનો કાયદો બનાવવા પર વિચાર કરશે?સરકાર MSME સેક્ટરના રક્ષણ માટે શું યોજના ધરાવે છે. ભારતના જીડીપી પર પારસ્પરિક ટેરિફની શું અસર થશે?”
