વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને અમેરિકાના વાઇસ પ્રેસિડન્ટ જેડી વેન્સ વચ્ચે નવી દિલ્હીમાં સોમવારે બેઠક પછી બંને દેશોએ પરસ્પર લાભદાયી દ્વિપક્ષીય વેપાર કરાર માટે વાટાઘાટોમાં થયેલી નોંધપાત્ર પ્રગતિ થઈ હોવાનો જાહેરાત કરી હતી. બંને નેતાઓ વચ્ચે સંરક્ષણ, ઊર્જા અને વ્યૂહાત્મક ટેકનોલોજીના ક્ષેત્રોમાં સહયોગ વધારવા પર ધ્યાન કેન્દ્રિત કરીને વ્યાપક વાટાઘાટો કરી હતી.
વ્હાઇટ હાઉસે જણાવ્યું હતું કે વેન્સ અને મોદીએ વેપાર કરાર માટેની વાટાઘાટોમાં “નોંધપાત્ર પ્રગતિ”નું સ્વાગત કર્યું હતું અને વાટાઘાટો માટેની રૂપરેખાની વિવિધત જાહેરાત કરી હતી. તેનાથી આર્થિક પ્રાથમિકતા અંગે વધુ વાટાઘાટોનો માર્ગ મોકળો થશે. ભારત માટે અમૃત કાલ’ અને ‘અમેરિકા માટે સુવર્ણ યુગ’ના વિઝન સાથે વેપાર કરાર (BTA) બંને દેશોમાં કામદારો, ખેડૂતો અને ઉદ્યોગસાહસિકો માટે વિકાસની નવી તકો ઊભી કરશે તેવી અપેક્ષા છે.
વાટાઘાટો પછી મોદીએ તેમના 7 લોક કલ્યાણ માર્ગ સ્થિત નિવાસસ્થાને વેન્સ અને તેમના પરિવાર માટે રાત્રિભોજનનું આયોજન કર્યું હતું, જેમાં ઘણા કેન્દ્રીય કેબિનેટ પ્રધાનો અને અમેરિકન અધિકારીઓ પણ જોડાયા હતા.
વડાપ્રધાન કાર્યાલયે જણાવ્યું હતું કે મોદીએ વેન્સને પ્રેસિડન્ટ ડોનાલ્ડ ટ્રમ્પ માટે હાર્દિક શુભેચ્છાઓ પાઠવી હતી અને કહ્યું હતું કે તેઓ આ વર્ષના અંતમાં તેમની ભારત મુલાકાત માટે આતુર છે.
સોશિયલ મીડિયા પોસ્ટમાં, મોદીએ કહ્યું કે ભારત-અમેરિકા વ્યાપક વૈશ્વિક વ્યૂહાત્મક ભાગીદારી “આપણા લોકો અને વિશ્વના સારા ભવિષ્ય” માટે 21મી સદીની એક નિર્ણાયક ભાગીદારી હશે.અમે વેપાર, ટેકનોલોજી, સંરક્ષણ, ઊર્જા અને લોકો-થી-લોકોના આદાન-પ્રદાન સહિત પરસ્પર લાભદાયી સહયોગ માટે પ્રતિબદ્ધ છીએ.
ફેબ્રુઆરીમાં વોશિંગ્ટન ડીસીમાં મોદી અને ટ્રમ્પની બેઠક પછી નવી દિલ્હી અને વોશિંગ્ટન દ્વિપક્ષીય વેપાર કરાર (BTA) પર મહોર લગાવવા માટે વાટાઘાટો કરી રહ્યા છે.
ભારતે એક નિવેદનમાં જણાવ્યું હતું કે મોદી અને વેન્સે દ્વિપક્ષીય સહયોગના વિવિધ ક્ષેત્રોમાં પ્રગતિની સમીક્ષા કરી અને સકારાત્મક મૂલ્યાંકન કર્યું હતું. તેઓએ બંને દેશોના લોકોના કલ્યાણ પર કેન્દ્રિત પરસ્પર લાભદાયી ભારત-અમેરિકા દ્વિપક્ષીય વેપાર કરાર માટેની વાટાઘાટોમાં નોંધપાત્ર પ્રગતિનું સ્વાગત કર્યું હતું.
અમેરિકાના પ્રેસિડન્ટ ડોનાલ્ડ ટ્રમ્પે ભારત સહિત લગભગ 60 દેશો સામે ટેરિફને 90 દિવસ માટે સ્થગિત કર્યાના થોડા સપ્તાહમાં વેન્સ ભારતની મુલાકાતે આવ્યાં છે. નવી દિલ્હી અને વોશિંગ્ટન હવે દ્વિપક્ષીય વેપાર કરાર પર મહોર મારવા માટે વાટાઘાટો કરી રહ્યા છે જેમાં ટેરિફ અને બજાર ઍક્સેસ સહિતના વિવિધ મુદ્દાઓનો ઉકેલ લાવવામાં આવે તેવી ધારણા છે. ગયા મહિને અમેરિકાના ડેપ્યુટી વેપાર પ્રતિનિધિ બ્રેન્ડન લિંચે ભારતની મુલાકાત લીધી હતી અને દ્વિપક્ષીય વેપાર કરાર (BTA)ને માટે ભારતીય અધિકારીઓ સાથે વાતચીત કરી હતી. હાલમાં અમેરિકાની મુલાકાતે રહેલા ભારતના નાણા પ્રધાન નિર્માલા સીતારામને પણ ઇન્ડિયન ડાયાસ્પોરા સાથેના વાર્તાલાપ દરમિયાન આશા વ્યક્ત કરી હતી કે આ વર્ષે સપ્ટેમ્બર-ઓક્ટોબર સુધીમાં પ્રથમ તબક્કાનો દ્વિપક્ષીય વેપાર કરાર થવાની આશા છે.
વોશિંગ્ટન નવી દિલ્હી પર વધુ અમેરિકન તેલ, ગેસ અને લશ્કરી પ્લેટફોર્મ ખરીદવા માટે દબાણ કરી રહ્યું છે જેથી ભારત સાથેની આશરે 45 બિલિયન ડોલરની વેપાર ખાધ ઓછી થઈ શકે. કેલેન્ડર વર્ષ 2023માં 190 બિલિયન ડોલરના કુલ દ્વિપક્ષીય વેપાર સાથે અમેરિકા ભારતનો સૌથી મોટો વેપારી ભાગીદાર હતો.
