વડાપ્રધાન નરેન્દ્ર મોદી 7-8 માર્ચે દાદરા- નગર હવેલી, દમણ-દીવ તથા ગુજરાતની મુલાકાત આવ્યાં હતાં. ગુરુવારે સાત માર્ચે મોદીએ સુરતમાં રોડ-શો યોજ્યો હતો અને એક સભાને સંબોધન કર્યું હતું. રોડ-શો અને જાહેર સભામાં મોટી સંખ્યામાં લોકો ઉમટી પડ્યા હતા અને વડાપ્રધાનનું ભવ્ય સ્વાગત કર્યું હતું.
વડાપ્રધાન સુરતના લિંબાયતમાં ખાદ્ય સુરક્ષા સંતૃપ્તિ અભિયાનનો પ્રારંભ કરાવ્યો હતો તથા 2.3 લાખથી વધુ લાભાર્થીઓને રાષ્ટ્રીય ખાદ્ય સુરક્ષા કાયદા હેઠળના લાભોનું વિતરણ કર્યું હતું.
જાહેરસભામાં મોદીએ જણાવ્યું હતું કે કાલે આંતરરાષ્ટ્રીય મહિલા દિવસે મારા સોશિયલ મીડિયા પ્લેટફોર્મ મહિલાઓને સોંપવા જઇ રહ્યો છું. કાલે નવસારીમાં નારી સમર્પિત એક મોટા કાર્યક્રમમાં ઉપસ્થિત રહેવાનો છું. આજે મોટી માત્રામાં માતા-બહેનો આશિર્વાદ આપવા આવી છે. સુરત આવી જ રીતે મીની ભારત, વિશ્વના શ્રેષ્ઠ શહેર તરીકે વિકસિત રહે એ માટે પ્રયાસ કરતા રહીશું. જે શહેરના લોકો શાનદાર હોય તેમના માટે બધુ શાનદાર હોવું જોઇએ.
મોદીએ વધુમાં જણાવ્યું હતું કે, દિલ્હી મુંબઇ એક્સ્પ્રેસ અને આવનારા સમયમાં બુલેટ ટ્રેન એક મહત્વનો પ્રોજેક્ટ છે. સુરત મેટ્રોથી શહેરની કનેક્ટવિટી શાનદાર થવા જઇ રહી છે. આ બધા પ્રયાસોથી સુરતીઓનું જીવન સરળ થઇ રહ્યું છે. થોડા દિવસ પહેલા મે દેશની નારી શક્તિને તમારા જીવનની પ્રેરણાદાયી યાત્રા, સફળતાઓ શેર કરવા કહ્યું હતું. અનેકમહિલાઓ, બહેનો અને દીકરીઓએ નમો એપ પર પોતાની ગાથાઓ શેર કરી છે.
