ભારત ખાતેના અમેરિકાના રાજદૂત એરિક ગાર્સેટીએ સોમવારે જણાવ્યું હતું કે પીએમ મોદી ભારતના ઈતિહાસમાં સૌથી વધુ અમેરિકા તરફી વડાપ્રધાન છે અને પ્રેસિડન્ટ બાઇડન અમેરિકાના ઇતિહાસમાં સૌથી વધુ ભારત તરફી પ્રેસિડન્ટ છે. ગાર્સેટીએ સોમવારે વડા પ્રધાન નરેન્દ્ર મોદી અને યુએસ પ્રમુખ જો બાઇડન વચ્ચેની “ગાઢ મિત્રતા” અને બંને દેશો વચ્ચે ઝડપથી વિસ્તરી રહેલા સંબંધોમાં તેમની ભૂમિકા વિશે વાતચીત કરી હતી.
એક ઇન્ટરવ્યૂમાં તેમણે જણાવ્યું હતું કે ક્વાડ એ વિઝન સેટ કરવા, સિદ્ધાંતો શેર કરવા અને ઈન્ડો-પેસિફિકમાં સામાન્ય ઉકેલો લાવવા માટે એક શક્તિશાળી સંગઠન છે. તે એવા રાષ્ટ્રોથી વિપરીત છે જે નિયમોનું પાલન કરવા માગતા નથી. ચાર ક્વોડ દેશોનું એકસમાન વિઝન છે. આ દેશો એક મુક્ત અને સમૃદ્ધ ઈન્ડો-પેસિફિકનું નિર્માણ કરવા માગે છે.