ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદી આગામી તા. 10મી એ ફ્રાન્સના અને 12મી અમેરિકાના બે દિવસના પ્રવાસે જશે એવો અહેવાલ ન્યૂઝ એજન્સીએ જાણકાર વર્તુળોને ટાંકીને સોમવારે મોડીરાત્રે આપ્યો હતો.
મોદી ફ્રાન્સમાં બે દિવસની એઆઈ એક્શન શિખર પરિષદમાં 10 અને 11 ફેબ્રુઆરીએ ભાગ લેવાના છે અને ત્યાર પછી 12મીએ તેઓ વોશિંગ્ટન પહોંચશે, ત્યાં 13મીએ તેઓ અમેરિકાના પ્રેસિડેન્ટ ટ્રમ્પને મળે તેવી શક્યતા છે. ભારતના વડાપ્રધાનનો બે દિવસનો અમેરિકા પ્રવાસનો કાર્યક્રમ તા. 13 અને 14નો રહેશે. ટ્રમ્પ સાથેની મુલાકાતમાં બન્ને નેતાઓ અનેક વિષયો ઉપર ચર્ચા વિચારણા કરશે એવી ધારણા છે.
ફ્રાન્સમાં આર્ટિફિસિયલ ઈન્ટેલિજન્સ સમિટ ફ્રાન્સ સરકાર દ્વારા યોજવામાં આવી રહી છે, જેમાં સરકાર ઉપરાંત વિવિધ ક્ષેત્રોના અગ્રણીઓ પણ એઆઈ ક્ષેત્રની પ્રગતિ અને તેના ઉપર આવશ્યક નિયંત્રણો વિષે પરામર્શ કરશે.