(ANI Photo/Sansad TV)

વડાપ્રધાન નરેન્દ્ર મોદીના વડપણ હેઠળ બુધવાર, 18 સપ્ટેમ્બરે યોજાયેલી કેન્દ્રીય કેબિનેટની બેઠકમાં વન નેશન-વન ઈલેક્શનની દરખાસ્તને બહાલી આપવામાં આવી હતી. દેશમાં લોકસભા અને તમામ રાજ્ય વિધાનસભાઓની ચૂંટણીઓ એકસાથે યોજવાની દિશામાં આ એક મોટું પગલું છે. વિપક્ષે સરકારની આ હિલચાલને રાજકીય સ્ટન્ટ ગણાવીને તેની ટીકા કરી હતી, જ્યારે સરકારને સમર્થન આપતા જેડીયુ સહિતના પક્ષોએ તેને સમર્થન આપ્યું હતું.

મોદી સરકાર હવે શિયાળુ સત્રમાં આ અંગે બિલ રજૂ કરે તેવી ધારણા છે. ઉલ્લેખનીય છે કે ભૂતપૂર્વ રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદના નેતૃત્વ હેઠળની સમિતિએ વન નેશન વન ઈલેક્શનની તરફેણ કરતા રીપોર્ટ આપ્યો હતો. સમિતિએ કહ્યું હતું કે લોકસભા અને રાજ્યની વિધાનસભા ચૂંટણી એકસાથે પૂર્ણ થયા બાદ 100 દિવસમાં સ્થાનિક એકમોની ચૂંટણી યોજવામાં આવે. જેથી દેશભરમાં એક નક્કી મુદ્દત દરમિયાન તમામ લેવલની ચૂંટણી સંપન્ન થઈ જશે.

વડાપ્રધાન નરેન્દ્ર મોદી છેલ્લાં ઘણા સમયથી વન નેશન વન ઈલેક્શનની તરફેણ કરી રહ્યા છે. કાયદા પંચ 2029થી લોકસભા, રાજ્ય વિધાનસભાઓ અને સ્થાનિક સંસ્થાઓ જેવી કે નગરપાલિકાઓ અને પંચાયતો માટે એક સાથે ચૂંટણી યોજવાની ભલામણ કરી હતી.

મોદીએ તેમના ચૂંટણી પ્રચાર દરમિયાન વારંવાર ભારપૂર્વક જણાવ્યું હતું કે તેમના ત્રીજા કાર્યકાળમાં કેટલાક મોટા નિર્ણયો લેવામાં આવશે. સૂત્રોએ જણાવ્યું હતું કે ચોક્કસપણે ‘વન નેશન, વન ઇલેક્શન’નો આ કાર્યકાળમાં અમલ કરાશે. સરકારને વિશ્વાસ છે કે સુધારાના પગલાને તમામ પક્ષકારોનું સમર્થન પ્રાપ્ત થશે અને શાસક ગઠબંધનની અંદરની એકતા સમગ્ર કાર્યકાળ દરમિયાન ચાલુ રહેશે.

એનડીએના પ્રથમ બે કાર્યકાળમાં (2014-2024 સુધી) ભાજપને એકલા હાથે બહુમતી મળી હતી. જોકે આ વખતની ચૂંટણીમાં ભાજપને 240 બેઠકો મળી છે, જે 543 સભ્યોની લોકસભામાં બહુમતીથી ઓછી છે, પરંતુ NDAમાં તેના સાથી પક્ષોના સમર્થનથી સરકારની રચના કરી છે.

ભાજપે લોકસભાની ચૂંટણી માટેના તેના ઢંઢેરામાં એકસાથે ચૂંટણીનું વચન આપ્યું હતું. 15 ઓગસ્ટે 11મા સ્વતંત્રતા દિવસના સતત ભાષણમાં વડાપ્રધાન મોદીએ રાજકીય પક્ષોને અનુરોધ કર્યો હતો કે તમામ પક્ષે વન નેશન વન ઇલેક્શનના હેતુને સાકર કરવા માટે મદદ કરે. દેશમાં વારંવાર ચૂંટણીથી દેશની પ્રગતિમાં અવરોધ આવે છે.

LEAVE A REPLY