વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ વિશ્વ વન્યજીવન દિવસ નિમિત્તે સોમવાર, 3 માર્ચે સાસણમાં નેશનલ બોર્ડ ફોર વાઇલ્ડલાઇફની સાતમી બેઠકની અધ્યક્ષતા કરી હતી અને આ વર્ષે મે મહિનામાં યોજાનાર એશિયાટિક સિંહની વસ્તીના અંદાજની જાહેરાત કરી હતી.
સવારે ગીર નેશનલ પાર્કમાં લાયન સફારી પછી મોદી જૂનાગઢ જિલ્લાના સાસણ ખાતે એનબીડબલ્યુએલની બેઠક માટે પ્રયાણ કર્યું હતું. આ બેઠકમાં કેન્દ્રીય પર્યાવરણ, વન અને આબોહવા પરિવર્તન મંત્રી ભૂપેન્દ્ર યાદવ અને અન્ય સભ્યોએ હાજરી આપી હતી.
આ પ્રસંગે મોદીએ જૂનાગઢ ખાતે નેશનલ રેફરલ સેન્ટર-વાઇલ્ડ લાઇફનો શિલાન્યાસ કર્યો હતો અને આ વર્ષે મે મહિનામાં એશિયાટિક સિંહની ગણતરી કરવાની જાહેરાત કરી હતી.
તેમણે તમિલનાડુમાં કોઈમ્બતુર ખાતે માનવ-વન્યજીવન સંઘર્ષ વ્યવસ્થાપન માટેના શ્રેષ્ઠતા કેન્દ્ર (SACON) સ્થાપવાની પણ જાહેરાત કરી અને રિવર ડોલ્ફિન પર એક પુસ્તકનું અનાવરણ કર્યું હતું.
NBWL એક વૈધાનિક સંસ્થા છે, જે સરકારને વન્યજીવ સંરક્ષણ પર સલાહ આપે છે. તેમાં 47 સભ્યો છે, જેમાં આર્મી સ્ટાફના વડા, વિવિધ રાજ્યોના સભ્યો, આ ક્ષેત્રમાં કામ કરતી NGOના પ્રતિનિધિઓ, મુખ્ય વન્યજીવન વાર્ડન અને વિવિધ રાજ્યોના સચિવોનો સમાવેશ થાય છે.વડાપ્રધાન મોદી હોદ્દાની રુએ એનબીડબલ્યુએલના વડા છે અને કેન્દ્રીય પર્યાવરણ, વન અને આબોહવા પરિવર્તન પ્રધાન બોર્ડના વાઇસ-ચેરપર્સન છે.
