રશિયાની બે દિવલની મુલાકાતે ગયેલા વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ મંગળવાર, 9 જુલાઇએ રશિયા સાથે મુસાફરી અને વેપારને વધુ વેગ આપવા માટે રશિયાના કઝાન અને યેકાટેરિનબર્ગ શહેરોમાં બે નવા કોન્સ્યુલેટ ખોલવાની જાહેરાત કરી હતી. ભારત હાલમાં રશિયામાં સેન્ટ પીટર્સબર્ગ અને વ્લાદિવોસ્તોકમાં બે કોન્સ્યુલેટ ધરાવે છે.
ભારતીય સમુદાયને સંબોધિત કરતી વખતે વડાપ્રધા મોદીએ કઝાન અને યેકાટેરિનબર્ગ ખાતે નવા વાણિજ્ય દૂતાવાસ ખોલવાની જાહેરાત કરી હતી. ઇન્ડિયન ડાયાસ્પોરાને સંબોધતા મોદીએ જણાવ્યું હતું કે “હું તમારા બધા સાથે કેટલાક સારા સમાચાર શેર કરવા માંગુ છું. અમે કઝાન અને યેકાટેરિનબર્ગમાં નવા વાણિજ્ય દૂતાવાસ ખોલવાનું નક્કી કર્યું છે. આનાથી મુસાફરી અને વેપાર વેપારમાં વધારો થશે.”
યેકાટેરિનબર્ગ રશિયાનું ચોથું સૌથી મોટું શહેર છે જે એક મહત્વપૂર્ણ આર્થિક કેન્દ્ર તરીકે ઉભરી આવ્યું છે. 2018માં આ શહેરમાં ચાર ફીફા વર્લ્ડ કપ મેચોનું આયોજન કર્યું હતું.વોલ્ગા અને કાઝાન્કા નદીઓના સંગમ પર સ્થિત, કઝાન એ એક સાંસ્કૃતિક અને શૈક્ષણિક હબ છે અને રશિયામાં ઉભરતું આર્થિક કેન્દ્ર છે.રશિયા કઝાનમાં ઓક્ટોબરમાં બ્રિક્સ સમિટનું પણ આયોજન કરશે.
મોસ્કોમાં ભારતીય સમુદાય દ્વારા આયોજિત એક કાર્યક્રમમાં મોદીએ જણાવ્યું હતું કે ભારત વિક્રમજનક ગતિએ પરિવર્તન કરી રહ્યું છે અને વિશ્વ તેની નોંધ લઈ રહ્યું છે. 140 કરોડથી વધુ ભારતીયો ભારતના આ પુનરુત્થાનને શક્ય બનાવી રહ્યા છે – તેઓ મોટા સપના જુએ છે, તેઓ પ્રતિજ્ઞા લે છે અને પછી તેને સાકાર કરે છે. આ સંદર્ભમાં, વડા પ્રધાને મેન્સ T20 ક્રિકેટ વર્લ્ડ કપમાં ભારતની જીતનો પણ ઉલ્લેખ કર્યો હતો તેની સાથે મેન ઇન બ્લુ માટે 13 વર્ષના ICC ટ્રોફીના દુષ્કાળનો અંત લાવ્યો હતો.
બોલિવૂડ સ્ટાર્સ મિથુન ચક્રવર્તી અને રાજ કપૂરનો ઉલ્લેખ કરીને વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ભારત અને રશિયા વચ્ચેના મજબૂત સંબંધો પર ભાર મૂક્યો હતો. મોદીએ રાજ કપૂરની 1955ની ફિલ્મ “શ્રી 420” ના ક્લાસિક બોલિવૂડ ગીત “ફિર ભી દિલ હૈ હિન્દુસ્તાની”નો પણ ઉલ્લેખ કર્યો હતો.