અનુસૂચિત જાતિ (એસસી) અને જનજાતિ અનામત (એસટી)માં ક્રીમીલેમર બનાવવા અંગેના તાજેતરના સુપ્રીમ કોર્ટના નિર્ણયની વિરુદ્ધમાં વિવિધ દલિત સંગઠનોએ બુધવાર, 21 ઓગસ્ટે આપેલા ભારત બંધના એલાનની ગુજરાત સહિતના કેટલાંક રાજ્યોમાં મિશ્ર અસર જોવા મળી હતી. બિહારના પટણામાં પોલીસ અને દેખાવકારોએ વચ્ચે ઘર્ષણ થયું હતું અને પોલીસે લાઠીચાર્જ કર્યો હતો. યુપીમાં પોલીસને એલર્ટ કરાઈ હતી. દેખાવકારોએ વિવિધ શહેરોમાં પોસ્ટર્સ સાથે વિરોધી દેખાવો કર્યા હતા.
બંધના એલાનનને માયાવતીની બહુજન સમાજવાદી પાર્ટી, ચંદ્રશેખર આઝાદાની ભીમ આર્મી, આઝાદ ભારત ટ્રાઇબલ પાર્ટી ઉપરાંત કોંગ્રેસ સહિત કેટલીક પાર્ટીઓના નેતાઓ પણ સમર્થન આપ્યું હતું.
દલિત અને આદિવાસી સંગઠનોની માગણી છે કે સુપ્રીમ કોર્ટ અનામતમાં ક્વોટાના નિર્ણયને પાછો ખેંચે અથવા તેનો પુનર્વિચાર કરે.
ભારત બંધનના એલાનને અનામત બચાવો સંઘર્ષ સમિતિ સહિત બે ડઝન દલિત અને આદિવાસી સંગઠનોએ સમર્થન આપ્યું હતું. બિહારના રાષ્ટ્રીય જનતા દળ, ઝારખંડ મુક્તિ મોરચા, વિવિધ ડાબેરી પક્ષો અને કોંગ્રેસે પણ સમર્થન આપ્યું હતું. કેન્દ્રીય પ્રધાન ચિરાગ પાસવાનની લોક જનશક્તિ પાર્ટી (રામ વિલાસ) “નૈતિક સમર્થન” ઓફર કર્યું હતું.
21 ઓગસ્ટના ભારત બંધ દરમિયાન હોસ્પિટલો અને એમ્બ્યુલન્સ જેવી ઇમરજન્સી સેવાઓ કાર્યરત રહી હતી. બેંક ઓફિસ અને સરકારી ઓફિસો બંધ રાખવા અંગે સરકાર તરફથી કોઇ આદેશ આવ્યો ન હતો.