• એક્સક્લુઝિવ
  • સરવર આલમ દ્વારા

વંશીય લઘુમતી સમુદાયોમાં આરોગ્યની અસમાનતાઓને પહોંચી વળવામાં મિનિસ્ટર્સ નિષ્ફળ ગયા છે એમ પબ્લિક હેલ્થ મિનિસ્ટર એન્ડ્રુ ગ્વિને ‘ગરવી ગુજરાત’ને જણાવ્યું હતું. તેમણે વચન આપ્યું હતું કે નવી લેબર સરકાર આવા જૂથો સાથે જોડાવાના વધુ પ્રયાસો કરશે.

તા. 8ના રોજ લંડનમાં મિનિસ્ટર્સ, NHS ઈંગ્લેન્ડના અધ્યક્ષ રિચાર્ડ મેડિંગ્સ અને વરિષ્ઠ NHS નેતાઓએ આરોગ્ય સેવામાં સુધારો કરવા અંગે જનતાના સભ્યોના સૂચનો સાંભળ્યા હતા અને NHSને તેના પગ પર પાછા લાવવા અને દર્દીઓના જૂથો વચ્ચેની અસમાનતાને દૂર કરવા માટે સરકારે ’10-વર્ષીય સ્વાસ્થ્ય યોજના’ શરૂ કરી હોવાની જાહેરાત કરી છે.

તા. 9ના રોજ એક મુલાકાતમાં, ગ્વિને ‘ગરવી ગુજરાત’ને જણાવ્યું હતું કે “આપણે અવરોધોને તોડવાની જરૂર છે, પછી ભલે તે સાંસ્કૃતિક હોય કે ભાષાકીય, જેથી દરેકને આરોગ્ય સેવાઓનો ઉપયોગ કરવાની સંપૂર્ણ તક મળી શકે. મેં હેલ્થ એન્ડ સોસ્યલ કેરના અધિકારીઓને કહ્યું છે કે હું સમુદાયો સુધી પહોંચવા માટે આપણે વધુ સારું કરવું પડશે. લોકોને આરોગ્યસંભાળ અંગે યોગ્ય સલાહ મળે અને સેવાઓ મળે તેની ખાતરી કરવી પડશે.’’

એનએચએસ રેસ અને હેલ્થ ઓબ્ઝર્વેટરી સમીક્ષામાં વંશીય ભેદભાવ, આરોગ્યસંભાળ મેળવવામાં અવરોધો અને અપૂરતા ડેટા સંગ્રહે ઈંગ્લેન્ડમાં અશ્વેત, એશિયન અને લઘુમતી વંશીય લોકોના સ્વાસ્થ્ય પર “નકારાત્મક અસર” કરી હોવાનું જણાયું હતું.

મત વિસ્તાર ગોર્ટન અને ડેન્ટનમાં સાઉથ એશિયાના લોકોમાં આરોગ્યની અસમાનતાના સ્તરને નજરે જોઇ હોવાનું કહેતા ગ્વિને કહ્યું હતું કે “મેં લોંગસાઇટ અને લેવેનશુલ્મ (માન્ચેસ્ટરના વિસ્તારો)માં સંસદના સભ્ય તરીકેના 20 વર્ષોમાં મેં ક્યારેય નહિં જોયેલી સૌથી ખરાબ અસમાનતાઓ દેખી છે. સમગ્ર દેશમાં, સાઉથ એશિયાઈ સમુદાયોમાં આરોગ્યની અસમાનતાઓ પર ધ્યાન કેન્દ્રિત કરવા માટે હું મિનિસ્ટર હોઉં ત્યારે મારાથી બનતુ કરવાની જવાબદારી અનુભવું છું.”

ગ્વિને કહ્યું હતું કે ‘’ડાયાબિટીસ જેવી બીમારીઓ બાબતે સાઉથ એશિયન સમુદાયો સુધી પહોંચ સુધારવા માટે ચોક્કસ યોજનાઓ માટે વાતચીત થઈ રહી છે. સાંસ્કૃતિક અને ભાષાકીય રીતે યોગ્ય આઉટરીચ સાથે તે સમુદાયો સુધી પહોંચવા માટે NHSને વધુ સારું બનવું પડશે જેથી કરીને લોકોને જરૂરી તબીબી સંભાળ આપી શકીએ.”

NHS રેસ એન્ડ હેલ્થ ઓબ્ઝર્વેટરીએ માનસિક સ્વાસ્થ્ય સંભાળ, માતૃત્વ અને નવજાત સ્વાસ્થ્ય સંભાળ અને NHS કાર્યબળમાં પ્રવર્તતી વંશીય અસમાનતાઓને પણ પ્રકાશિત કરી છે. શ્વેત બ્રિટીશ લોકો કરતાં શ્યામ અને સાઉથ એશિયન જૂથોમાં શિશુ અને માતાનો મૃત્યુદર, કાર્ડિયોવેસ્ક્યુલર રોગ (CVD) અને ડાયાબિટીસનો દર વધુ છે.

ગ્વિને જણાવ્યું હતું કે ‘’ લેબર સરકાર તેની 10-વર્ષીય આરોગ્ય યોજનાના ભાગરૂપે આ અસમાનતાઓને દૂર કરવા માટે ગંભીર છે. આ યોજનાના પરામર્શ માટે અમને સાઉથ એશિયન સમુદાયના વધુ અવાજોની જરૂર છે.”

જનતાને પણ NHS વિશેના તેમના અનુભવો શેર કરવા અને આરોગ્ય સેવાને સુધારવા માટે તેમના સૂચનો આપવા માટે પ્રોત્સાહિત કરવામાં આવે છે.

ગ્વિન ગયા મહિને લેસ્ટરમાં ઉપસ્થિત રહ્યા ત્યારે 100થી વધુ લોકોએ હાજરી આપી હતી અને NHS વેઇટીંગ લીસ્ટ સહિત અન્ય મુદ્દાઓ પર ચર્ચા કરી હતી. પણ તાજેતરના જાહેર કાર્યક્રમોમાં ઘણા સાઉથ એશિયનો હાજર નહોતા અને તેમણે NHSના ડિજિટલ પ્લેટફોર્મ, change.nhs.uk પર એશિયન જૂથોના પ્રતિસાદના અભાવની નોંધ લીધી હતી.

નવા ડેટા મુજબ લંડન કમિશનિંગ ક્ષેત્રમાં 1.2 મિલિયન કરતાં વધુ લોકો રાહ જુએ છે અને તેમાંથી 34,000 લોકો એક વર્ષથી વધુ રાહ જોઇ રહ્યા છે. 38,000થી વધુ દર્દીઓ લંડન પ્રદેશમાં GP એપોઇન્ટમેન્ટ માટે ચાર અઠવાડિયા કરતાં વધુ સમય સુધી રાહ જોઈ હતી.

મિડલેન્ડ્સમાં, 1.4 મિલિયન NHS વેઇટીંગ લીસ્ટમાં હતા અને લગભગ 50,000 લોકો 12 મહિનાથી રાહ જોઈ રહ્યા છે. સપ્ટેમ્બર 2024 સુધીમાં, મિડલેન્ડ્સમાં GP એપોઇન્ટમેન્ટ માટે 100,000 દર્દીઓએ ચાર અઠવાડિયાથી વધુ રાહ જોઈ હતી. તો 15,000 દર્દીઓએ NHS લેસ્ટર, લેસ્ટરશાયર અને રટલેન્ડ ICB ખાતે GP એપોઇન્ટમેન્ટ માટે ચાર અઠવાડિયા કરતા વધુ રાહ જોઈ હતી.

સરકારની 10 વર્ષની આરોગ્ય યોજના સ્પ્રિંગ 2025માં પ્રકાશિત થશે. સરકાર આરોગ્ય સંભાળમાં ત્રણ ફેરફારો અમલમાં મૂકવા માંગે છે. જેમાં સરકાર ઘરો અને સમુદાયોની નજીક નવા નેઇબરહૂડ હેલ્થ સેન્ટર્સની યોજનાઓ પહોંચાડવા માંગે છે. જ્યાં દર્દીઓને એક જ છત નીચે ફેમિલી ડોકટરો, ડીસ્ટ્રીક્ટ નર્સો, કેર વર્કર્સ, ફિઝિયોથેરાપિસ્ટ, હેલ્થ વિઝીટર્સ અથવા માનસિક આરોગ્ય નિષ્ણાતોને જોઈ શકાશે. સરકાર NHS એપ દ્વારા એક જ દર્દીના રેકોર્ડને એકસાથે લાવીને, દર્દીની આરોગ્યની માહિતી, ટેસ્ટના પરિણામો અને પત્રોનો એક જ જગ્યાએ સારાંશ આપીને NHSને આધુનિક બનાવવા માંગે છે.

આ ઉપરાંત સરકાર ખરાબ સ્વાસ્થ્યમાં લોકો જેટલો સમય વિતાવે છે તે ઘટાડવા માંગે છે અને બીમારીઓ થાય તે પહેલાં તેને અટકાવવા માંગે છે.

LEAVE A REPLY