યુકેના સંસદ સભ્યોએ હાઉસ ઓફ કોમન્સમાં ક્રોસ-પાર્ટી ચર્ચા દરમિયાન પાકિસ્તાનમાં કથળતી ધાર્મિક સ્વતંત્રતા અને લઘુમતી ધાર્મિક જૂથોના માનવાધિકારના ઉલ્લંઘન અંગે ચિંતા વ્યક્ત કરી હતી.
ઓલ પાર્ટી પાર્લામેન્ટરી ગ્રુપ (APPG) ઓફ ઇન્ટરનેશનલ ફ્રીડમ ઓફ રીલીજીયન ઓર બીલીફના અધ્યક્ષ અને ડેમોક્રેટિક યુનિયનિસ્ટ પાર્ટી (DUP) સાંસદ જીમ શેનન દ્વારા ‘પાકિસ્તાન: ફ્રીડમ ઓફ મોશન’ પ્રસ્તાવ રજૂ કરાયો હતો.
શેનને ગુરુવારે કોમન્સ ડિબેટની શરૂઆત કરતા કહ્યું હતું કે ‘’પાકિસ્તાનની સ્થિતિ ગંભીર છે અને તેના ધાર્મિક લઘુમતીઓ માટેના પડકારોને કારણે “ક્રાઇસીસ પોઇન્ટ” પર છે. તેમણે દાવો કર્યો હતો કે 1980ના દાયકાથી, ઘણા હજારો કેસ નોંધાયા છે જે અપ્રમાણસર રીતે ખ્રિસ્તીઓ, હિન્દુઓ અને અહમદીયાઓને અસર કરે છે. પાકિસ્તાન તેના ધાર્મિક લઘુમતીઓ માટેના પડકારોથી ભરપૂર છે. ખ્રિસ્તીઓ, હિન્દુઓ, અહમદીયાઓ અને શિયા મુસ્લિમો નિયમિત ધોરણે વ્યાપક ભેદભાવ, સતામણી અને હિંસાનો સામનો કરે છે. ત્યાં અસહિષ્ણુતા વધી છે. પાકિસ્તાનમાં ધાર્મિક લઘુમતીઓ સાથેનું વર્તન એક ધારાધોરણ સમાન બની ગયું છે.”
લિબરલ ડેમોક્રેટ સાંસદ પોલ કોહલરે કહ્યું હતું કે ‘’પાકિસ્તાની સરકાર બળજબરીથી ધર્માંતરણ અને ટોળાની હિંસાનો સામનો કરતા નાગરિકોની સુરક્ષાની મૂળભૂત ફરજ પૂરી કરવામાં “ઘણી વાર” નિષ્ફળ રહી છે. શિયા મુસ્લિમો, ખ્રિસ્તીઓ અને હિંદુઓ સહિત અમુક ધાર્મિક લઘુમતીઓના ભેદભાવને સરકાર સક્રિયપણે સમર્થન આપી રહ્યું હોવાના વ્યાપક પુરાવા છે. આવા લોકોના માનવ અધિકારો અને સ્વતંત્રતાઓને ક્ષીણ કરવા માટે તેમના વિરુદ્ધ ઇશ નિંદાના કાયદાઓનો ઉપયોગ કરવામાં આવે છે.”
કન્ઝર્વેટિવ સાંસદ એન્ડ્રુ રોસિન્ડેલે કહ્યું હતું કે ‘’કમનસીબે, હિંદુઓ પણ વધતી હિંસાનો ભોગ બન્યા છે. જુલાઈ 2023માં, પાકિસ્તાનના સિંધ પ્રાંતમાં એક હિંદુ મંદિર પર હુમલો કરાયો હતો અને જૂન 2022માં, કરાચીમાં એક હિંદુ મંદિરનો નાશ કરાયો હતો. પાકિસ્તાનમાં વાર્ષિક, 1,000 જેટલી ખ્રિસ્તી અને હિન્દુ છોકરીઓનું અપહરણ કરાય છે, ખ્રિસ્તી બાળકોને સ્થાનિક મદરેસાઓમાં ઇસ્લામિક લેસન્સ સેવા માટે પડે છે. મને આશા છે કે યુકે સરકાર ફરી એકવાર પાકિસ્તાન સરકાર સમક્ષ આ ચિંતાઓ રજૂ કરશે.”
સરકાર વતી પ્રતિભાવ આપતા ફોરેન ઓફિસના પાકિસ્તાનના પ્રભારી મિનિસ્ટર હેમિશ ફૉકનરે કહ્યું હતું કે “અમે જાણીએ છીએ કે પાકિસ્તાનમાં ઘણી લઘુમતીઓને અન્યાયનો સામનો કરવો પડે છે, જેમાં માળખાકીય ભેદભાવ, આર્થિક બાકાત અને વ્યાપક સામાજિક અસહિષ્ણુતાનો સમાવેશ થાય છે. હું પાકિસ્તાનના ઇશ નિંદાના કાયદાના વધી રહેલા દુરુપયોગ અંગે સભ્યોની ચિંતાઓ શેર કરું છું. જે બાબતે અમે તેની સરકાર અને તમામ મુખ્ય હિતધારકો સાથે કામ કરવાનું ચાલુ રાખીશું.”
સંસદીય ચર્ચા એક ઠરાવ સાથે સમાપ્ત થઈ હતી જેમાં પાર્લામેન્ટમાં નોંધ લેવાઇ હતી કે “પાકિસ્તાનમાં ધાર્મિક લઘુમતી ધાર્મિક જૂથોના કથિત વ્યાપક બળજબરીપૂર્વકના ધર્માંતરણ અને માનવાધિકારના ઉલ્લંઘન પર સંસદ તેની ચિંતા વ્યક્ત કરે છે; પાકિસ્તાન સરકાર દ્વારા કાર્યવાહીના અભાવની નિંદા કરે છે, જે માનવ અધિકારની સાર્વત્રિક ઘોષણાની કલમ 18ના ગંભીર ઉલ્લંઘનનું પ્રતિનિધિત્વ કરે છે; સ્થાનિક સત્તાવાળાઓ દ્વારા વિપક્ષી ધાર્મિક નેતાઓની ધરપકડથી પાકિસ્તાનમાં અને આગળ બંને જગ્યાએ નિંદા થઈ છે.”