ગત વર્ષે નાની બોટમાં ચેનલ પાર કરીને બ્રિટનમાં ઘૂસણખોરી કરનારા ગેરકાયેદ માઇગ્રન્ટ્સની સંખ્યામાં 2023ની તુલનાએ 25 ટકાનો વધારો થયો છે, તેવું તાજેતરમાં એક સરકારી ડેટામાં દર્શાવવામાં આવ્યું હતું. ઘૂસણખોરીમાં આ તીવ્ર વધારો વડાપ્રધાન કેઅર સ્ટાર્મર સામેના પડકારને ઉજાગર કરે છે, કારણે તેમણે જુલાઈમાં સત્તા સંભાળી હતી ત્યારે આવી ખતરનાક મુસાફરીને અટકાવવાનું વચન આપ્યું હતું. સરકારના હંગામી આંકડા દર્શાવે છે કે, 2024માં આ ચેનલમાં 36,816 જેટલા લોકો પકડાયા હતા, જે 2023માં આવેલા 29,437 કરતાં 25 ટકા વધુ છે. જોકે, 2022માં યુકેના દરિયામાં ઘૂસેલા રેકોર્ડ 45,774 ગેરકાયદે માઇગ્રન્ટ્સ કરતાં આ આંકડો હજુ પણ ઓછો છે.
ગત વર્ષે દેશમાં યોજાયેલી સંસદીય ચૂંટણીમાં બ્રિટનમાં ગેરકાયદે અને કાયદેસર સ્થળાંતરનો મુદ્દો મુખ્ય હતો. 14 વર્ષ વિરોધ પક્ષમાં રહ્યા પછી ચૂંટણીમાં લેબર પક્ષને સત્તા મળી હતી.
સ્ટાર્મરે સત્તા સંભાળ્યા પછી, ગેરકાયદે માઇગ્રન્ટ્સને રવાંડા પરત મોકલવાની અગાઉની કન્ઝર્વેટિવ સરકારની વિવાદાસ્પદ યોજનાને રદ્ કરી હતી.
સ્ટાર્મરે ગેરકાયેદ લોકોની હેરાફેરી કરનારાઓની “ગેંગ્સને નષ્ટ કરવાનું” વચન આપ્યું છે અને કાયદાના અમલમાં સહકાર આપવા માટે બીજા દેશો સાથે અનેક કરાર કર્યા છે.
ડિસેમ્બરમાં, બ્રિટન અને જર્મનીએ દાણચોરી કરતી ટોળકીનો સામનો કરવા માટે એક સંયુક્ત યોજના બનાવી હતી. બેલ્જિયમ, ફ્રાન્સ, જર્મની, નેધરલેન્ડ અને બ્રિટનના પ્રધાનોએ આ મુદ્દે સહકાર વધારવા માટે ચર્ચા કરી હતી. નવેમ્બરમાં, સ્ટાર્મરે આવી હેરાફેરીના નેટવર્કનું “ત્રાસવાદ સમાન વૈશ્વિક સુરક્ષા જોખમ” તરીકે વર્ણન કર્યું હતું.
ગત વર્ષના પ્રથમ નવ મહિનામાં ચેનલ દ્વારા આવનારા સૌથી મોટા ગ્રુપમાં અફઘાન માઇગ્રન્ટસનો સમાવેશ થાય છે, જેઓ કુલ સંખ્યાના 17 ટકા હતા. ત્યારપછી સૌથી મોટા ગ્રુપ્સમાં વિયેતનામ, ઈરાન અને સીરિયાના લોકોનો સમાવેશ થાય છે.

LEAVE A REPLY