યુએસ ડીપાર્ટમેન્ટ ઓફ હોમલેન્ડ સિક્યુરિટી (DHS)નાં પ્રવક્તા અને બે અન્ય સૂત્રોએ એક સમાચાર સંસ્થાને જણાવ્યું હતું કે, ફેબ્રુઆરીમાં અમેરિકા-મેક્સિકો સરહદ પર ગેરકાયદે ઘૂસણખોરી કરતાં પકડાયેલા લોકોની સંખ્યામાં રેકોર્ડ ઘટાડો નોંધાયો છે. DHSનાં પ્રવક્તા ટ્રિશિયા મેકલાફલિને જણાવ્યું હતું કે, ફેબ્રુઆરીનો અંત નજીક આવતાં સુધીમાં સરહદ પર 8,500 જેટલા માઇગ્રન્ટસ પકડાયા હતા. રીપબ્લિકન પ્રેસિડેન્ટ ડોનાલ્ડ ટ્રમ્પે 20 જાન્યુઆરીએ વ્હાઇટ હાઉસમાં સત્તા સંભાળ્યા પછી ગેરકાયદે ઘૂસણખોરોને અટકાવવા માટે વિવિધ પગલાં લીધાં છે, તેમણે કહ્યું કે તેમના પુરોગામી, ભૂતપૂર્વ પ્રેસિડેન્ટ જો બાઇડેનના શાસનમાં થયેલા વધુ માઇગ્રેશન પછી કડક કાર્યવાહી કરવી જરૂરી હતી. ટ્રમ્પ દ્વારા કડક કાર્યવાહીમાં સરહદ પર આશ્રય પર પ્રતિબંધ લાગુ કરવાનો અને સરહદની સુરક્ષામાં મદદ માટે મિલિટરી ટીમમાં વધારો કરવાનો સમાવેશ થાય છે.
અમેરિકન સિવિલ લિબર્ટીઝ યુનિયને ગત મહિનાની શરૂઆતમાં ટ્રમ્પ એડમિનિસ્ટ્રેશન પર આ પ્રતિબંધ સામે કેસ કરીને જણાવ્યું હતું કે, તે દેશમાં આશ્રય માટેના કાયદા અને આંતરરાષ્ટ્રીય સમજૂતીઓનું ઉલ્લંઘન કરે છે.
