અમેરિકાની ઇમિગ્રેશન નીતિ અંગેની અનિશ્ચિતતામાં વધારા વચ્ચે માઇક્રોસોફ્ટ, ગૂગલ અને એમેઝોન જેવી ટેકનોલોજી કંપનીઓએ તેમના વિઝા પરના કર્મચારીઓને દેશ ન છોડવા અને વિદેશનો પ્રવાસ ન કરવાની સલાહ આપી છે. આવા કર્મચારીઓને અમેરિકામાં પરત આવવાની મંજૂરી ન મળે તેવી વ્યાપક ચિંતા હોવાથી કર્મચારીઓને આ સલાહ અપાઈ છે.
વોશિંગ્ટન પોસ્ટના અહેવાલ મુજબ, મોટી આઇટી કંપનીઓ પહેલાથી જ તેમના કર્મચારીઓને વિઝા અંગે ચેતવણી આપી રહી છે કે તેઓ દેશ છોડવાનું કે વિદેશ પ્રવાસ કરવાનું ટાળે કારણ કે તેમને પાછા ફરવાની મંજૂરી આપવામાં આવશે નહીં.અમેરિકામાં H-1B વિઝા ધારકોમાં ભારતીય ટેક કામદારો સૌથી નોંધપાત્ર સંખ્યામાં છે.
બે H-1B વીઝા ધારકોએ વોશિંગ્ટન પોસ્ટને માહિતી આપી હતી કે તેમણે ભારતની મુલાકાત લેવાની તેમની યોજના રદ કરી છે કારણ કે તેઓ ચિંતિત છે કે તેમને અમેરિકામાં ફરીથી પ્રવેશ મળશે નહીં. એક ભારતીય કર્મચારીએ ટ્રમ્પ વહીવટીતંત્રના જન્મજાત નાગરિકત્વ રદ કરવાના નિર્ણય અંગે ચિંતા વ્યક્ત કરી હતી, તેમને ડર હતો કે જો કાયદામાં ફેરફાર કરવામાં આવે તો, ભવિષ્યના કોઈપણ બાળકો દેશહીન બની જશે અને ન તો ભારતીય કે ન તો અમેરિકન રહેશે.
અન્ય એક ભારતીય H-1B કર્મચારીએ જણાવ્યું કે અમેરિકાનો નાગરિક નથી તેવા વ્યક્તિને ગેરકાયદેર માની લેવામાં આવે છે. ટ્રમ્પ દ્વારા કડક વિઝા નિયમો લાગુ કરવાથી ઉભી થયેલી અનિશ્ચિતતાને કારણે ભારતીય H-1B વિઝા ધારકોને વધારાની મુશ્કેલીઓનો સામનો કરવો પડી રહ્યો હોવાના અહેવાલ છે. કેટલાક કર્મચારીઓનો દાવો છે કે હવે તેમને જાહેરમાં હોય ત્યારે હંમેશા દસ્તાવેજો સાથે રાખવા જરૂરી છે.
