સીઇઓ માર્ક ઝુકરબર્ગએ પોડકાસ્ટ દરમિયાન કરેલી ટિપ્પણી બદલ મેટા ઇન્ડિયાએ બુધવારે માફી માાગીને જણાવ્યું હતું કે ઝુકરબર્ગે અજાણતા આ ભૂલ કરી હતી. આ પોડકાસ્ટમાં ઝુકરબર્ગે જણાવ્યું હતું કે ભારતમાં વર્તમાન સરકાર 2024ની ચૂંટણીમાં હારી ગઈ હતી.
મેટા ઈન્ડિયાના ઉપાધ્યક્ષ શિવનાથ ઠુકરાલે એક્સ પર લખ્યું હતું કે માર્કનું અવલોકન કે 2024ની ચૂંટણીમાં ઘણા સત્તાધારી પક્ષો ફરીથી ચૂંટાયા ન હતા તે ઘણા દેશો માટે સાચું છે, પરંતુ ભારત માટે નહીં. અમે આ અજાણતા થયેલી ભૂલ માટે માફી માંગવા માંગીએ છીએ. ભારત મેટા માટે અવિશ્વસનીય રીતે મહત્વપૂર્ણ દેશ છે અને અમે તેના નવીન ભાવિના કેન્દ્રમાં રહેવાની આશા રાખીએ છીએ.
અગાઉ જૉ રોગન પોડકાસ્ટ પર ઝકરબર્ગ કરેલી કરેલી ટિપ્પણીઓનો કેન્દ્રીય માાહિતી અને પ્રસારણ પ્રધાન અશ્વિની વૈષ્ણવે વિરોધ કર્યો હતો. ઝુકરબર્ગનો દાવો હતો કે 2024ની ચૂંટણીમાં ભારત સહિત મોટાભાગની સત્તાધારી સરકારો કોવિડ પછી હારી ગઈ હતી. વૈષ્ણવે જણાવ્યું હતું કે “વિશ્વની સૌથી મોટી લોકશાહી તરીકે, ભારતે 640 મિલિયનથી વધુ મતદારો સાથે 2024ની ચૂંટણીઓ યોજી હતી. ભારતના લોકોએ વડાપ્રધાન નરેન્દ્ર મોદીના નેતૃત્વ હેઠળની NDA સરકારે ફરી ચૂંટી કાઢી હતી.
બીજેપી સાંસદ નિશિકાંત દુબે મંગળવારે કહ્યું હતું કે ભારતની સત્તાધારી પાર્ટી ગયા વર્ષે લોકસભાની ચૂંટણીમાં હારી ગઈ હોવાની ટિપ્પણીને પગલે સંસદની સ્થાયી સમિતિ ઝુકરબર્ગને સમન્સ કરશે.