- સરવર આલમ દ્વારા
ઈસ્ટર્ન આઈ અને ગરવી ગુજરાત સાપ્તાહિકોના પ્રકાશક એશિયન મીડિયા ગ્રુપ (AMG) દ્વારા ભવન લંડન ખાતે આયોજિત ‘’GG2 લીડરશીપ ટોક – એમ્પાવરિંગ માઇન્ડ્સઃ બિલ્ડીંગ મેન્ટલ હેલ્થ રિઝિલિયન્સ’’ મનનીય વાર્તાલાપમાં પ્રખ્યાત આધ્યાત્મિક નેતા અને સામાજિક કાર્યકર સાધ્વી ભગવતી સરસ્વતીજીએ માનસિક સ્વાસ્થ્ય માટેના પોતાના સંઘર્ષનો ઇતિહાસ જણાવતા સમજાવ્યું હતું કે “આપણી અંદર શાંતિ શોધવી એ સમાજમાં ‘અસરકારક પરિવર્તન’ કરવાની ચાવી છે.’’
આ પેનલ ચર્ચામાં સાધ્વીજી સાથે માઇન્ડ ફોરવર્ડ એલાયન્સના સ્થાપક પોપી જમાન; સેન્ટર ફોર મેન્ટલ હેલ્થના ચીફ એક્ઝિક્યુટિવ એન્ડી બેલ અને કેપીએમજીના ડેપ્યુટી જનરલ કાઉન્સેલ પીટર રોજર્સ જોડાયા હતા.
મૂળ લોસ એન્જલસના અને સ્ટેનફોર્ડ યુનિવર્સિટીમાંથી મનોવિજ્ઞાનમાં પીએચડી કરનાર સાધ્વીજી પવિત્ર ગંગા નદીના કિનારે, હિમાલયની ગોદમાં 25 વર્ષથી વધુ સમયથી આધ્યાત્મિક સેવા, વિઝડમ ટીચીંગ અને ઊંડા આધ્યાત્મિક અભ્યાસમાં વ્યસ્ત રહે છે. તેમણે લખેલ સંસ્મરણ ‘’હોલીવુડ ટુ ધ હિમાલય: અ જર્ની ઓફ હીલીંગ એન્ડ ટ્રાન્સફોર્મેશન’’માં તેમણે કેવી રીતે આધ્યાત્મિક જાગૃતિ તેમના ખુદના માનસિક સ્વાસ્થ્યના સંઘર્ષને દૂર કરવા તરફ દોરી ગઈ હતી તેનું વર્ણન કર્યું છે.
સાધ્વીજીએ જણાવ્યું હતું કે “મેં જીવનના પ્રથમ 25 વર્ષોમાં ઘણા અંગત આઘાત, દુરુપયોગ, હતાશા, ઇટીંગ ડીસોર્ડર અને વ્યસનનો સામનો કર્યો હતો તે હવે માત્ર અવિશ્વસનીય આશીર્વાદ અને કૃપા અને આધ્યાત્મિકતાની શક્તિ દ્વારા, જેને આપણે સંસ્કૃતમાં ધર્મ કહીએ છીએ તેના થકી વેદનામાંથી બહાર આવીને સ્વતંત્રતા અને આનંદની પ્રાપ્તિ કરી છે. જો આપણે સૌ આપણા હૃદય અને આપણી માનવતામાં ઝાંખીને જોઇએ તો આપણે સૌ વિશ્વમાં શાંતિ રહે તેવું ઈચ્છીએ છીએ. જેનું હૃદય ખુલ્લું હોય તેવું કોઈ નથી કે, જે વિશ્વમાં શું થઈ રહ્યું છે તે જોઈ શકે અને કાર્ય કરવા અને પરિવર્તન લાવવાની ઇચ્છાથી પ્રભાવિત ન થાય, અને તેમ છતાં જ્યાં સુધી આપણે આપણી અંદર તે શાંતિ ન મેળવીએ ત્યાં સુધી આપણે પ્રભાવશાળી પરિવ ર્તન લાવી શકતા નથી.’’
સેન્ટર ફોર મેન્ટલ હેલ્થના ચીફ એક્ઝિક્યુટિવ એન્ડી બેલે કહ્યું હતું કે ‘’યુકે તેમજ અન્ય ઘણા પશ્ચિમી દેશોના વસ્તીના આંકડા દર્શાવે છે કે અશ્વેત, એશિયન અને અન્ય વંશીય જૂથોના લોકોમાં શ્વેત વસ્તી કરતા માનસિક બિમારીનું પ્રમાણ વધુ છે. જે ખરેખર ભેદભાવ, અન્યાયી વર્તનના અનુભવોમાંથી આવે છે. લોકોના માનસિક સ્વાસ્થ્યને અસમાનતા અને અન્યાય જોખમમાં મૂકે છે. તમે ઉચ્ચ સ્તરની સંપત્તિની જે અસમાનતા જુઓ છો તે માનસિક અસ્વસ્થતાના ઉચ્ચ સ્તરો માટે જવાબદાર છે. તેવી જ રીતે હિંસા અને દુર્વ્યવહાર પણ તે માટે જવાબદાર છે. આપણા માનસિક સ્વાસ્થ્ય માટે આપણે જીવેલા જીવન, અનુભવો, વાતાવરણ વગેરે જવાબદાર છે, નહિં કે તમારામાં કઇ ગુણવત્તા છે કે નથી.”
પોપી જમાને કહ્યું હતું કે ‘’સાઉથ એશિયન સમુદાય આ વિષયના કલંકનો સામનો કરવા માટે માનસિક સ્વાસ્થ્ય સાથે સંકળાયેલા પર્યાવરણીય પરિબળોના મહત્વને સમજે તે જરૂરી છે. પરિવારમાં કોઇકને માનસિક બીમારી હોય કે વારસાગત મુશ્કેલી હોય તેથી આપણને શરમ ન આવવી જોઈએ કે તે છુપાવવી જોઈએ નહિં. તે બધુ ખોટું છે અને તે જ માનસિક સ્વાસ્થ્યની આસપાસ કલંક અને શરમનું કારણ બને છે. તેના વિશે આપણે ખરેખર આજે એક સમુદાય તરીકે વિચારવાની જરૂર છે.”
છેલ્લા 28 વર્ષથી ઋષિકેશના પરમાર્થ નિકેતન આશ્રમમાં રહેતા અને લોકોના જીવનમાં પરિવર્તન લાવવામાં જેમના ઉપદેશોએ મદદ કરી છે તેવા સાધ્વીજીએ કહ્યું હતું કે “આપણે ભારતમાં લોકો કે પડોશીઓ શું વિચારશે તેની દરકાર કરીએ છીએ. મેં બરબાદ થતા જેમને જોયા છે તેઓ ખરેખર નકારાત્મક રીતે પ્રભાવિત છે, સિસ્ટમ, સમાજ અને સંસ્કૃતિ દ્વારા નિષ્ફળ થયેલ છે. ઘણા બધા લોકોના જીવનમાં શરૂ થયેલી માનસિક સ્વાસ્થ્ય સમસ્યાઓ જીવન સંઘર્ષ તરીકે શરૂ થઈ છે – જીવનમાં ઉતાર-ચઢાવ છે. તે કુદરતનો સ્વભાવ છે. જ્યારે તમે એક ઇમિગ્રન્ટ્સ છો, ભેદભાવ કે અસમાનતા અનુભવો છો, ગરીબ છો, નુકસાનનો સામનો કરી રહ્યાં છો, ત્યારે તમે તમારા પડોશીના ખભા પર માથુ નાંખની રડી શકતા નથી કે કોઇને કહી શકતા નથી. તમે જાણો છે તમને એક નાની ઇજા થાય ત્યારે સારવાર ન કરાવો તો તે અંગ ગુમાવો છો, તમે તમારું જીવન ગુમાવો છો.”
જમાને પોતાના માનસિક સ્વાસ્થ્યના સંઘર્ષોના ઉદ્ભવ્ય વિશે વાત કરતાં કહ્યું હતું કે “મારી એશિયન, મારી બાંગ્લાદેશી ઓળખ પણ ઘણી રીતે હાનિકારક રહી છે. મારા બળજબરીપૂર્વકના લગ્નને કારણે માનસિક સ્વાસ્થ્યની ઘણી નોંધપાત્ર સમસ્યાઓ ઊભી થઇ હતી. પરંતુ મને લાગે છે કે ઇમિગ્રન્ટ સમુદાય, સંસ્થાનવાદી યુગ, વિભાજન, રાજકારણ કે સામાજિક પરિવર્તન હવે તમારી આસપાસના પર્યાવરણીય પરિબળો નથી, વારસામાં મળેલી સામગ્રી મૂર્ત નથી.”
સાઉથ લંડનમાં વસતા માતાપિતા અને બાળકોના આંતર-પેઢીના આઘાતના અનુભવ વિશે અભ્યાસ કરનાર સંશોધકોના જૂથ સાથે કામ કરતા બેલે કહ્યું હતું કે “જે માતા-પિતાના બાળકો શાળામાં જાતિવાદનો અનુભવ કરી રહ્યાં છે તેઓ તેનાથી આઘાત અનુભવે છે. તેઓ પોતાના બાળકોને સાજા થવામાં મદદ કરવાનો પ્રયાસ કરે છે અને તે આઘાતને સંચાલિત કરવાની રીતો શોધવાનો પ્રયાસ કરે છે. આમાંથી આપણે જે હકારાત્મકતા લેવાની જરૂર છે તે એ છે કે જ્યારે આપણને આઘાત, પ્રતિકૂળતાઓ સહન કરવી પડે છે તેમાંથી આપણને સમુદાયો, પરિવારો, લોકોના ઑનલાઇન જૂથો, આજુબાજુના જૂથો અથવા જેમને ઓળખીએ છીએ તે લોકો આપણા આઘાતને રૂઝવવામાં મદદ કરી શકે છે.”
જમાનની સાથે માઇન્ડ ફોરવર્ડ એલાયન્સના સ્થાપકોમાંના એક તથા પોતાના 30ના દાયકામાં શરૂ થયેલા તીવ્ર હતાશાના સમયગાળાથી પીડાતા રોજર્સે પ્રતિબિંબિત કર્યું હતું કે તેઓ કેવી રીતે આંતર-પેઢીના આઘાતથી પ્રભાવિત થયા હતા. તેમની એસ્ટોનિયન માતા બીજા વિશ્વ યુદ્ધ દરમિયાન શરણાર્થી બની હતી અને બાદમાં રોજર્સે કાર અકસ્માતમાં પોતાના ભાઈને ગુમાવ્યો હતો. તેમના પિતાનો પરિવાર આયર્લેન્ડથી ઓસ્ટ્રેલિયામાં સ્થળાંતરિત થયો હતો જ્યાં તેઓ ખૂબ જ ગરીબ હતા.
ખાસ કરીને કામના સ્થળે માનસિક સ્વાસ્થ્ય સહાય સુલભ બનાવવા પ્રયાસ કરતા રોજર્સે કહ્યું હતુ કે “હું ડિપ્રેશનથી પીડિત છું. આ વર્ષની શરૂઆતમાં મારી પાસે એક એપિસોડ હતો અને તે કામથી દૂર હતો. મારા એમ્પ્લોયર હંમેશા અદ્ભુત રહ્યા છે. મારા 30 ના દાયકાના મધ્યમાં હું ખાનગી હેલ્થકેર ફેસેલીટીઝમાં હોવા માટે પૂરતો ભાગ્યશાળી હતો. હું એવી પરિસ્થિતિનું અવલોકન કરી રહ્યો હતો કે લગભગ તમામ લોકો શું થશે તેનાથી ડરતા હતા. તેઓ કેટલીકવાર તેમના એમ્પ્લોયરને શું ચાલી રહ્યું છે તે વિશે પણ સત્ય કહેતા ન હતા અને તેનાથી મને ગુસ્સો આવતો હતો, કારણ કે મને મારા એમ્પ્લોયર સાથે તે અનુભવ થયો ન હતો. અને મેં વિચાર્યું હતું કે વાસ્તવમાં દરેકને એવું જ લાગવું જોઈએ.”
રોજર્સે ઉમેર્યું હતું કે “જ્યારે મારી સાથે પહેલીવાર બન્યું, ત્યારે મન ખબર ન હતી કે શું થઈ રહ્યું છે, તે ખૂબ જ મૂંઝવણભર્યું હતું. તમને લાગે છે કે તે ઉદ્દેશ્ય તથ્યોના સમૂહ માટે એક સામાન્ય પ્રતિક્રિયા છે, પરંતુ વાસ્તવમાં ઘણા કિસ્સાઓમાં, તમે અસ્વસ્થ છો અને હકીકતમાં તમને સારું પણ થઈ જશે તો પણ તમે ઓળખતા નથી. દુર્ભાગ્યે, જ્યારે તમને તે અનુભૂતિ ન હોય, અથવા તમારી પાસે સમર્થન ન હોય ત્યારે બાબતો ખૂબ જ ખરાબ રીતે ખોટી થઈ શકે છે.”
ચર્ચાના અંતે સૌએ સાધ્વિજી સહિત પેનલ ચર્ચામાં જોડાયેલા અગ્રણીઓને પ્રશ્નો પૂછ્યા હતા અને સાધ્વિજી દ્વારા લખાયેલ પુસ્તક ‘’હોલીવુડ ટુ ધ હિમાલય: અ જર્ની ઓફ હીલીંગ એન્ડ ટ્રાન્સફોર્મેશન’’ પર તેમના હસ્તાક્ષર મેળવી અલ્પાહાર લઇ સૌ છૂટા પડ્યા હતા.