બાંગ્લાદેશ આર્મીના સભ્યો કર્ફ્યુના બીજા દિવસે ફરજ પર જોવા મળે છે REUTERS/Mohammad Ponir Hossain
પશ્ચિમ બંગાળના મુખ્યપ્રધાન મમતા બેનર્જીએ રવિવારે જણાવ્યું હતું કે બાંગ્લાદેશમાં વધી રહેલી હિંસાને ધ્યાનમાં રાખીને, તેઓ પાડોશી દેશમાંથી તકલીફમાં રહેલા લોકો માટે તેમના રાજ્યના દરવાજા ખુલ્લા રાખશે અને તેમને આશ્રય આપશે. મમતા બેનર્જીએ શરણાર્થીઓ અંગેના સંયુક્ત રાષ્ટ્રના ઠરાવને ટાંકીને પોતાના આ વલણને યોગ્ય ઠેરવ્યું હતું.
અહીં ઉલ્લેખનીય છે કે બાંગ્લાદેશમાં અનામત વિરોધી આંદોલનને કારણે છેલ્લાં કેટલાક દિવસોમાં કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ તૂટી પડી છે અને ભારે હિંસા થઈ રહી છે.
કોલકાતામાં ટીએમસીની ‘શહીદ દિવસ’ રેલીમાં બેનર્જીએ જણાવ્યું હતું કે મારે બાંગ્લાદેશની બાબતો પર બોલવું જોઈએ નહીં, કારણ કે તે એક સાર્વભૌમ રાષ્ટ્ર છે અને આ મુદ્દે જે કંઈ કહેવાની જરૂર છે તે કેન્દ્રનો વિષય છે. પરંતુ જો લાચાર લોકો બંગાળના દરવાજા ખટખટાવશે, તો અમે તેમને ચોક્કસ આશ્રય આપીશું. તેનું કારણ એ છે કે અશાંતિ હેઠળના વિસ્તારોને અડીને આવેલા પ્રદેશોમાં શરણાર્થીઓને સમાવવા માટે સંયુક્ત રાષ્ટ્રનો ઠરાવ છે. આ અંગે તેમણે  આસામમાં બોડો ઉગ્રવાદીઓની હિંસા દરમિયાન આસામી લોકોને ઘણા લાંબા સમય સુધી  ઉત્તરબંગાળના અલીપુરદ્વાર વિસ્તારમાં રહેવાની મંજૂરીના નિર્ણયનું ઉદાહરણ આપ્યું હતું.
બાંગ્લાદેશમાં વકરતી હિંસાને કારણે જેમના સંબંધીઓ ત્યાં અટકવાઈ ગયા છે તેવા બંગાળના લોકોને સહકારની તમામ ખાતરી આપતા સીએમએ જણાવ્યું હતું કે તેઓ એવા બાંગ્લાદેશ લોકોને પણ મદદ કરશે કે જેઓ પોતાના દેશમાં પરત જવામાં મુશ્કેલી અનુભવી રહ્યાં છે. બેનર્જીએ પશ્ચિમ બંગાળના લોકોને બાંગ્લાદેશની વર્તમાન પરિસ્થિતિને લગતી બાબતોને લઈને ઉશ્કેરાઈ ન જવાની પણ અપીલ કરી હતી.
જોકે બીજેપીના બંગાળ એકમના પ્રમુખ અને રાજ્ય કક્ષાના કેન્દ્રીય મંત્રી સુકાંત મજુમદારે જણાવ્યું હતું કે દેશની વિદેશ નીતિઓ સાથે સંકળાયેલી આવી બાબતો પર કોઈપણ જાહેર નિવેદન આપતા પહેલા કેન્દ્ર સાથે ચર્ચા કરવી જોઈએ.

LEAVE A REPLY