(ANI Photo)

પંજાબ નેશનલ બેંક સાથે આશરે $2 બિલિયનના કથિત કૌભાંડમાં સંડોવાયેલા ભારતના ભાગેડુ ઉદ્યોગપતિ મેહુલ ચોકસીની બેલ્જિયમમાં ધરપકડ કરાઈ છે. ભારત સરકારે અગાઉ પ્રત્યર્પણ માટે બેલ્જિયમને રિકવેસ્ટ કરી હતી અને આ પછી બેલ્જિયમે આ કાર્યવાહી કરી છે, એમ ભારતીય એજન્સી ઇન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ (ઇડી)ના સૂત્રોને ટાંકીને મીડિયા અહેવાલમાં જણાવાયું હતું.

65 વર્ષીય ચોક્સીની શનિવારે ધરપકડ કરાઈ હતી અને હાલમાં તે જેલમાં છે. જોકે તે મેડિકલ કારણોસર જામીન માંગે તેવી શક્યતા છે. ચોક્સી સામે મુંબઈની બે ઓપન-એન્ડેડ ધરપકડ વોરંટ જારી કરેલા છે.

2018માં બેંક સાથે રૂ.13,500 કરોડથી વધુની છેતરપિંડી કરવાના આરોપમાં ચોક્સી અને નીરવ મોદીને CBI અને એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ (ED) વોન્ટેડ જાહેર કર્યાં હતાં. દેશની બીજા ક્રમની સૌથી મોટી સરકારી બેન્ક પીએનબીએ ચોક્સી, મોદી અને તેમની કંપની ગીતાંજલિ જેમ્સના મેનેજિંગ ડિરેક્ટર સહિત અનેક સંસ્થાઓ સામે ફોજદારી ફરિયાદ દાખલ કરી હતી.પીએનબી કૌભાંડ સામે આવ્યાના અઠવાડિયા પહેલા જાન્યુઆરી 2018માં ચોક્સી અને નીરવ મોદી ભારત છોડીને ભાગી ગયા હતાં.

ગયા મહિને બેલ્જિયમના વિદેશ મંત્રાલયે પુષ્ટિ આપી હતી કે મેહુલ ચોક્સી યુરોપિયન દેશમાં છે. તેઓ તેની હાજરીથી વાકેફ છે અને તેના કેસને ખૂબ મહત્વ આપે છે. અહેવાલો અનુસાર મેહુલ ચોક્સી દેશમાં ‘રેસીડેન્સી કાર્ડ’ મેળવ્યા પછી તેની પત્ની પ્રીતિ ચોક્સી સાથે એન્ટવર્પમાં રહે છે.એન્ટિગુઆ અને બાર્બુડાના નાગરિક બનેલા ચોક્સીએ કેન્સરની સારવાર માટે ટાપુ રાષ્ટ્ર છોડી દીધું હોવાનું કહેવાય છે અને સ્વિટ્ઝર્લૅન્ડ જવાની યોજના બનાવી હતી.

LEAVE A REPLY