(ANI Photo)

ગુજરાતમાં વિદાય લેતા પહેલા મેઘરાજા છેલ્લાં ત્રણ દિવસથી રાજ્યના મોટાભાગના વિસ્તારોને ઘમરોળી રહ્યાં છે. 27 સપ્ટેમ્બરે સવારે છ વાગ્યે પૂરી થતાં 24 કલાક દરમિયાન રાજ્યના 82 તાલુકામાં એક ઇંચથી વધુ વરસાદ નોંધાયો હતો. હવામાન વિભાગે 28મી સપ્ટેમ્બરે પણ સુરત, નવસારી, વલસાડ, દમણ અને દાદરા અને નગર હવેલી તેમજ સૌરાષ્ટ્ર વિસ્તારમાં ભાવનગરમાં છૂટાછવાયા સ્થળોએ ભારે વરસાદની આગાહી કરીને યલો એલર્ટ જારી કર્યો હતો.

જૂનાગઢ શહેરમાં બપોરના સમયે મેઘરાજાનું રોદ્ર સ્વરૂપ જોવા મળી રહ્યું છે. ગિરનાર પર્વત પર ધોધમાર વરસાદ વરસતા ભવનાથ ક્ષેત્રમાં નદીના પૂરની માફક પાણી વહેતા થયા હતા. ગિરનાર પર્વતની સીડી પરથી પણ ધોધની માફક પાણી વહેતા થયા હતા. ગિરનાર પર્વત પરનું પાણી ભવનાથ અને દામોદરકુંડમાં આવતા પાણીના ડરામણા દ્રશ્યો સર્જાયા હતા.

ચોમાસાના તાજેતરના રાઉન્ડે દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રના વિસ્તારોને મોટાભાગે અસર કરી હતી. સૌરાષ્ટ્રના ખેડૂતો મગફળીના મુખ્ય પાક સહિત તેમના ઉભા પાકને બચાવવા માટે વરસાદના બીજા રાઉન્ડની આશા રાખી રહ્યા હતા ત્યારે મેઘરાજા મહેરબાન બન્યાં હતા. અમદાવાદમાં પણ છેલ્લાં બે દિવસ દરમિયાન આશરે દોઢ ઇંચ વરસાદ પડ્યો હતો.

ભારે વરસાદને કારણે બારડોલી પાસેથી પસાર થતી મીંઢોળી નદીમાં પૂરની સ્થિતિ જોવા મળી હતી. નદીમાં પૂરના કારણે નીચાણવાળા વિસ્તારમાં ઘરોની અંદર પાણી ઘૂસી ગયા હતાં. અમરેલીના સૂરવો ડેમના દરવાજા ખોલતાં નદીમાં પૂરની સ્થિતિ સર્જાઈ હતી, જેના કારણે ઘણાં પશુઓ તણાઈ ગયા હતા.

સુરત અને તેની આજુબાજુના વિસ્તારમાં વરસાદના કારણે મીંઢોળી નદીમાં પાંચમી વખત પૂરની સ્થિતિ સર્જાઈ હતી. નદીના પૂરના પાણી બારડોલી નગરના તલાવડી વિસ્તારમાં ફરી વળ્યા હતાં. દક્ષિણ ગુજરાત અને ઉપરવાસમાં વરસી રહેલા વરસાદના કારણે ઉકાઈ ડેમમાં પાણીની ભરપૂર આવક ચાલુ થઈ હતી. ડેમની સપાટી 344 ફૂટ સુધી પહોંચી ગઈ હતી, જે ભયજનક સપાટીથી ફક્ત એક ફૂટ જ ઓછી હતી.

અમરેલીમાં ધોધમાર વરસાદના કારણે વડીયાના સૂરવો ડેમમાં પાણીની ભરપૂર આવક થતાં ડેમના ત્રણ દરવાજાને એક-એક ફૂટ સુધી ખોલવામાં આવ્યા હતાં. ડેમના દરવાજા ખોલવાની સાથે જ નીચાણવાળા વિસ્તારના ગામડાના લોકોને સાબદા કરાયા હતા.

સુરત અને અમરેલી સિવાય નવસારીમાંથી પસાર થતી પૂર્ણા નદીમાં પણ વરસાદના કારણે જળસપાટીમાં વધારો થયો હતી.

 

LEAVE A REPLY